ભાજપ સાચા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી છે : પ્રસાદ
ન્યુ દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. આ અગાઉ જિતિન પ્રસાદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમની ભાજપમાં જવાની અટકળો શરૂ થઈ ગઈ હતી.
ભાજપમાં સામેલ થયા બાદ જિતિન પ્રસાદે કહ્યું કે ત્રણ પેઢીઓ સુધી અમારા પરિવારનો કોંગ્રેસ સાથે સંબંધ રહ્યો છે. પરંતુ હવે ખુબ સમજી વિચારીને મે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે મને લાગે છે કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છે જે સાચે રાષ્ટ્રીય છે, અન્ય દળો પ્રાદેશિક છે પરંતુ ભાજપ સાચા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી છે.
જિતિન પ્રસાદે કહ્યું કે દેશની ભલાઈ માટે આજે જો કોઈ પાર્ટી અને નેતા ઊભા છે તો તે નિશ્ચિતપણે ભાજપ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું કે જો તમે રાજાકારણમાં રહીને લોકોના હિતોની રક્ષા ન કરી શકો તો એવી પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી. જિતિન પ્રસાદે કહ્યું કે કોંગ્રેસે લાંબા સમય સુધી મારો સાથ આપ્યો પરંતુ હવે હું ભાજપ કાર્યકર તરીકે કામ કરવા માટે તૈયાર છું.
આ અગાઉ પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું હતું કે આજે કોઈ મોટા નેતા સામેલ થવાના છે. અનિલ બલૂનીએ જોકે કોઈ નામ તો જાહેર કર્યું નહતું. પરંતુ ઘણા સમયથી સિંધિયા કેમ્પના ગણાતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાશે તેવી અટકળો થઈ રહી હતી. યુપીથી આવતા પ્રસાદને કોંગ્રેસમાં મહત્વ મળતું પણ ઘટી ગયું હતું. તેમના ભાજપ જોઈન કરવાથી આગામી યૂપી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થવાની શક્યતા છે.
જિતિન પ્રસાદ સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે જઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જિતિન પ્રસાદ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. અને હાલમાં તેઓ વિધાનસભા ચૂંટણીમાં બંગાળના પ્રભારી હતા. જ્યાં પાર્ટીનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું.
કોણ છે જિતિન પ્રસાદ?
જિતિન પ્રસાદે ભારતીય યુવા કોંગ્રેસમાં સચિવ પદથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર શાહજહાંપુર સીટથી લોકસભા ચૂંટણી જીતી. વર્ષ ૨૦૦૮માં તેમને પહેલીવાર કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં જિતિન પ્રસાદને ધૌરહરા સીટથી જીત મળી હતી.