દરેક વાતની એક મર્યાદા હોવી ઘટે છે…
ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોણ પણ મુદ્દે વિરોધ કરવાનો અધિકાર બેમર્યાદ હોઇ શકે નહીં. દરેક વાતની એક મર્યાદા હોવી ઘટે છે.
નાગરિકતા અંગેના નવા કાયદા અને NRCના વિરોધમાં આ વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાટનગર નવી દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં લઘુમતી સમાજની સેંકડો મહિલાઓએ નોઇડા તરફ જવાનો માર્ગ અવરોધીને દેખાવો કરવા બેસી ગઇ હતી. એને કારણે દિલ્હીથી નોઇડા તરફ જતાં વાહનોને સહન કરવું પડ્યું હતું. ખાસ કરીને સ્કૂલ બસોને વધુ તકલીફ પડી હતી.
આ દેખાવોને પડકારતી અરજીમાં ટ્રાફિક અવરોધના મુદ્દાને કાસ રજૂ કરાયો હતો. દેખાવકારોના વકીલે એવી દલીલ કરી હતી કે વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે એ દલીલ ફગાવી દેતાં કહ્યું હતું કે વિરોધ કરવાનો કે અન્ય કોઇ પણ અધિકાર બેમર્યાદ હોઇ શકે નહીં. દરેક વાતની એક મર્યાદા હોય છે.
જસ્ટિસ સંજય કિસન કૌલ, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બનેલી બેન્ચે કહ્યું કે કોઇ પણ અધિકાર સોએ સો ટકા પૂર્ણ હોતેા નથી. સંસદીય લોકશાહીમાં ચર્ચા કરવાનો અધિકાર હોય છે. શાંતિપૂર્ણ વિરોધ સ્વીકાર્ય હોય છે. લોકશાહીમાં વિરોધનો અધિકાર છે પરંતુ એ અધિકારના નામે કોઇ વિસ્તારને લાંબા સમય માટે બંધ કરી દઇ શકાય નહીં. વાહન વ્યવહારને લાંબા સમય માટે અવરોધી શકાય નહીં.
શાહીન બાગના દેખાવકારો પર મુખ્ય સડકને અવરોધીને ટ્રાફિક બંધ કરી દેવાનો આક્ષેપ હતો. કેન્દ્ર સરકારે પણ શાંતિપૂર્ણ વિરોધ કરવાની સંમતિ આપી હતી પરંતુ શાહીન બાગમાં તો લાંબા સમય સુધી એક મુખ્ય માર્ગને અવરોધવામાં આવ્યો હતો.