Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાથી થયેલ મૃત્યુ પર સરકાર વળતર આપે : સુપ્રિમનો આદેશ…

સુપ્રિમનો મહત્વપૂર્ણ ચુકાદો, છ સપ્તાહમાં ગાઇડલાઇન તૈયાર કરવા આદેશ…
કોવિડથી જોડાયેલા ડેથ સર્ટિફિકેટ જારી કરે સરકાર,કોરોનાથી મૃત્યું થયું હશે તો વળતર આપવું જ પડશે, રકમ તમે જ નક્કી કરો,એનડીએમએના અધિકારીઓનો સુપ્રિમે ઊધડો લીધો…
અગાઉ સરકારે સુપ્રિમમાં ૪ લાખના વળતર મુદ્દે સ્પષ્ટ ના પાડી દીધી હતી…

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારે એક અગત્યનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જેમનું નિધન કોરોનાના કારણે થયું છે, સરકાર તેમના પરિવારોને વળતર આપે. જોકે આ વળતર કેટલું હોવું જોઇએ તે પોતે સરકારે નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવશે કે પીડિતોને કેટલા રૂપિયા આપવામાં આવશે. ૬ અઠવાડિયામાં ગાઇડલાઇન તૈયાર કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે સાથે એવું પણ માન્યું કે કોરોનાથી થયેલી મોતો પર ૪ લાખ રૂપિયાનું વળતર આપી શકાય નથી. પણ કોર્ટે NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ને કહ્યું કે, એક એવી સિસ્ટમ બનાવવામાં આવે જેનાથી ઓછામાં ઓછું વળતર આપી શકાય.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, તેઓ કોરોનાથી જોડાયેલા ડેથ સર્ટિફિકેટને બહાર પાડે અને જે સર્ટિફિકેટ પહેલા જ બહાર પડી ગયા છે તેમાં સુધારો કરવામાં આવે. ચૂકાદો આપતા સમયે સુપ્રીમ કોર્ટે NDMAના અધિકારીઓને ફટકાર પણ લગાવી છે.
આ મામલામાં ઘણાં અરજીકર્તાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમની માગણી હતી કે કોરોનાથી જેમના મોત થયા છે તેમના પરિવારોને ડિઝાસ્ટર એક્ટ હેઠળ ૪ લાખ રૂપિયાનું વળતર મળવું જોઇએ. અરજીકર્તાઓ દ્વારા આ ઉપરાંત કોવિડ ડેથ સર્ટિફિકેટને લઇ પણ સવાલ કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માગ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામું આપવામાં આવ્યું હતું તેમાં સરકારે વળતર આપવાની ના પાડી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવું કરવું સંભવ નથી. સરકારે કહ્યું હતું કે વળતર આપવાના સ્થાને તેમનું ફોકસ સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા પર છે.
કેન્દ્ર સરકાર દ્વારા એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે ૪ લાખ રૂપિયાનું વળતર કોઇ અન્ય ડિઝાસ્ટરમાં મરનારા વ્યક્તિના પરિજનોને આપવામાં આવી રહ્યું છે, પણ કોઇ મહામારીના સમયે આવું કરી શકાય નહીં.
ભારતમાં કોરોના વાયરસનો કેર પાછલા દોઢ વર્ષથી ચાલી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આ મહામારીના કારણે લગભગ ૪ લાખ લોકોના મોત થયા છે. હાલમાં જ દેશમાં કાળ બનીને આવેલી કોરોનાની બીજી લહેર હવે થોડી હદે ઓછી થઇ રહી છે, પણ એક્સપટ્‌ર્સ હજુ પણ ત્રીજી લહેરને લઇ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૩,૯૮,૪૫૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૫,૯૫૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો હવે ૩,૦૩,૬૨,૮૪૮ પર પહોંચી ગયો છે. હાલ કુલ ૫,૩૭,૦૬૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

Related posts

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર : ૮૦ લોકોના મોત…

Charotar Sandesh

ઉત્તરાખંડના ટિહરીમાં કાર ખાઇમાં ખાબકી : ૭ લોકોના મોત

Charotar Sandesh

વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યા બાદ શંકરે સોમવારે સપનું સાકાર થયું ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી ઃ વીવીએસ લક્ષ્મણ

Charotar Sandesh