Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાના કહેરમાં તેલિયારાજાઓની મનમાની, સિંગતેલના ભાવ ૨૭૫૦ પહોંચ્યો…

અમદાવાદ : કોરોના કહેરમાં કણસતી પ્રજાને ધગધગતો ડામ દેવા સટોડિયાઓ-કેલિયારાજાઓ સહિત સ્થાપિતહિતોની ટોળકીએ ખાદ્યતેલના ભાવ ગત વર્ષ કરતા દોઢથી ડબલ કરી દેતા જનાક્રોશ ભભૂકી ઉઠે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાકાળમાં છેલ્લા સવા વર્ષથી ધંધો-રોજગાર ઠપ થઈ ગયો છે. બીજી બાજુ બેકારીની નાગચૂડે મધ્યવર્ગની કમર તોડી નાંખી છે. ભયંકર મંદીના માહોલ વચ્ચે તેલનો ખેલ ખેલાઈ રહ્યો હોઈ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
સૂત્રો જણાવ્યા મુજબ ગત વર્ષે સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૨૫૦થી ૨૩૫૦ હતો. જે આ વર્ષે રૂપિયા ૨૭૫૦ની આજુબાજુ છે. આ પ્રમાણે કપાસિયા તેલનો ભાવ રૂપિયા ૧૨૫૦થી ૧૩૦૦ હતો. જે આ વર્ષે રૂપિયા ૨૪૫૦થી ૨૫૫૦ છે. મકાઈ તેલનો ભાવ રૂપિયા ૧૮૫૦થી વધીને રૂપિયા ૨૫૫૦, સન ફ્લાવર રૂપિયા ૧૭૦૦થી ૨૭૫૦, પામોલિન તેલનો ભાવ રૂપિયા ૯૦૦થી ૧૦૦૦ હતો. જે આ વર્ષે રૂપિયા ૨૧૫૦ થયો છે. સરસવ તેલનો ભાવ રૂપિયા ૧૪૦૦થી રૂપિયા ૨૪૦૦ તેમજ તલના તેલનો ભાવ રૂપિયા ૨૫૦૦થી ૨૬૦૦ હતો. જે આ વર્ષે રૂપિયા ૩૫૦૦થી ૩૭૦૦ને આંબી રહ્યો છે.
તેલિયા રાજાઓ દર વર્ષે યેનકેન પ્રકારે સિઝનમાં તેલનો ખેલ ખેલી નિર્દોષ પ્રજાને પરેશાન કરતા હોવાની વાત ટોક ઓફ ટાઉન બની છે. સિંગતેલનું સૌથી મોટું ઉત્પાદન સૌરાષ્ટ્ર અને ખાસ કરી રાજકોટમાં થાય છે. સ્થાપિત હિતોની ટોળકી એવો બચાવ કરે છે કે ઈમ્પોર્ટ ડ્યૂટી ૩૫ ટકા જેટલી હોઈ ઈમ્પોર્ટેડ તેલનો ભાવ સ્થાનિક માર્કેટમાં વધવા પામ્યો છે. પેટ્રોલ-ડિજલના ભાવની જેમ ખાદ્યતેલના ભાવની રોજ બરોજ વધઘટનો ખેલ પણ ખેલાતો રહે છે.
ચાલું વર્ષે સારું ચોમાસું રહેતા સીંગદાણાનો મબલખ પાક થયો હતો અને લાગતું હતું કે સીંગતેલના ભાવ નીચા રહેશે પણ કેટલાક નિકાસકારો દ્વારા વધુ પ્રમાણમાં સીંગદાણા અને સીંગતેલ ચાઈના નિકાસ કરી હાલ સૌરાષ્ટ્રના નિકાસકારોને માલ મળતો નથી. તેથી તેલના ભાવ ઉંચા જતા રહ્યા છે. સીંગતેલની સાથે સાઈડના તેલના ભાવ પણ ઉંચકાયા છે.

Related posts

ભાડુઆત ઘરનું ભાડું ન આપે એ ફોજદારી ગુનો નથી : સુપ્રિમ કોર્ટે એફઆઈઆર ફગાવી દીધી

Charotar Sandesh

બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ અનોખો પ્રયાસ કર્યો : જવાબમાં એવું લખ્યું કે શિક્ષક પણ ચોંકી ગયા

Charotar Sandesh

કોરોના સંક્ટ : ૨૪ કલાકમાં નવા ૩૭,૧૪૮ કેસ નોંધાયા, ૫૮૭ના મોત…

Charotar Sandesh