૨૪ કલાકમાં ૬૨,૨૨૪ નવા કેસ, એક્ટિવ કેસ ઘટીને ૮.૬૫ પર પહોંચ્યા…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર નબળી પડી રહી છે, ત્યારે સંક્રમણના દર અને રોજ આવતાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસ પણ સતત ઘટી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૬૨,૨૨૪ નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા ૨૯૬૩૩૧૦૫ પર પહોંચી ગઇ છે.
અત્યાર સુધી સામે આવેલા કુલ કેસમાંથી ૨.૮૩ કરોડથી વધુ લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા છે. દેશમાં હાલ ૮૬૫૪૩૨ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંદર્ભે ૧૯.૩૦ લાખથી વધુ ટેસ્ટ થયા છે અને તેમાંથી ૬૨૨૨૪ લોકો પોઝિટિવ આવ્યા છે. એટલે કે સંક્રમણનો દર હવે ઘટીને ૩.૨૨ ટકા રહ્યો છે. દેશમાં હવે રિકવરી રેટ ૯૫.૭૯ ટકા સુધી પહોંચી ગયો છે. કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો અને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૮,૬૫,૪૩૨ થઈ ગયો છે.
જો કે, કોરોનાની લીધે થતાં મોત હજુ પણ ચિંતાનો વિષય છે. સંક્રમણ ઘટવાની સાથે નવા કેસ ભલે ઘટી રહ્યાં છે, પરંતુ મોતના આંકડામાં તેટલો ઘટાડો થયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને લીધે ૨૫૪૨ લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધી દેશમાં ૩.૭૯ લાખથી વધુ લોકો આ વાયરસમાં જીવ ગુમાવી ચૂક્યાં છે.
બીજી બાજુ, એક વખત ફરી વેક્સિનેશન અભિયાને ગતિ પકડી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૮ લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં કુલ ૨૬.૧૯ કરોડ લોકોને વેક્સિન મળી ચૂકી છે. જેમાંથી ૨૧.૨૬ કરોડને પ્રથમ ડોઝ અને ૪.૯૩ કરોડને બન્ને ડોઝ અપાઇ ચૂક્યાં છે.