આણંદ : વાસદ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલથી એક સપ્તાહ તા. ૨૨ સપ્ટેમ્બરથી તા. ૨૯ સપ્ટેમ્બર દરમિયાન લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં લોકડાઉન દરમિયાન બપોરે ૧૨ વાગ્યા બાદ તમામ બજારો અને દુકાનો સદંતર બંધ રહેશે. ત્યારે વાસદ ગ્રામ પંચાયત દ્વારા બપોરે ૧૨ વાગ્યા બાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગામમાં દરેક નાગરિકોએ ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. તેમજ ફળિયામાં, ટાવર ચોકમાં, ભાથીજી જેવા જાહેર સ્થળોએ ટોળા વળી બેસી શકાશે નહી. તેમજ આવતીકાલે તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ગામમાં નાના મોટા વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા વેપાર બંધ રાખવાના રહેશે. દરેક વેપારી તથા લારી ગલ્લાવાળાએ તેમજ હોટલ માલિકોએ આ લોકડાઉનનો સંપુર્ણપણે પાલન કરવાનું રહેશે. સવારે ૯ થી ૧૨ દરમિયાન દુકાનો ખુલ્લી રાખી શકાશે અને ત્યારબાદ તમામ દુકાનો બંધ રાખવાની રહેશે તેમ જાણવા મળેલ છે.