‘ભાજપ હૈ તો ભરોસા હૈ’નો નવો નારો આપ્યો…
પટના : બિહાર વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. ભાજપે આજે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. ભાજપના સંકલ્પ પત્રને નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કર્યું. ભાજપ હૈ તો ભરોસા હૈ’નો નવો નારો અને વીડિયો સોંગ જારી કર્યું છે. આ અવસરે નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, બિહાર સરકારના કૃષિ મંત્રી પ્રેમકુમાર, બિહાર સરકારના મંત્રી નંદકિશોર યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન રાવ, સાંસદ વિવેક ઠાકુર મંચ પર જોવા મળ્યા.
આ અવસરે નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યાં સુધી કોરોનાની રસી ન આવી જાય ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે. પરંતુ જેવી રસી આવશે કે ભારતમાં તેનું મોટા પાયે પ્રોડક્શન શરૂ કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી જેડીયુ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જેડીયુ તરફથી પહેલા જ સાત નિશ્ચયની વાત કરાઈ છે અને એનડીએનું એક જોઈન્ટ વિઝન ડોક્યુમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એનડીએની સરકાર બનશે તો પણ નીતિશકુમાર જ મુખ્યમંત્રી રહેશે.
ઘોષણાપત્ર લોન્ચ કર્યાના અવસરે કૃષિમંત્રી પ્રેમકુમારે કહ્યું કે ભાજપ જે કહે છે તે કરે છે. જે સંકલ્પપત્ર બહાર પાડવામાં આવ્યું છે તે કોઈ પણ સંજોગોમાં પૂરું કરાશે.
સંકલ્પપત્રમાં ભાજપે આપેલા વચનો :
– દરેક બિહારવાસીને કોરોનાની વિનામૂલ્યે રસી
– મેડિકલ, એન્જિનિયરીંગ સહિત અન્ય ટેક્નિકલ શિક્ષણ હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવવું.
– એક વર્ષમાં સમગ્ર પ્રદેશમાં ત્રણ લાખ નવા શિક્ષકોની ભરતી
– નેક્સ્ટ જનરેશન આઈટી હબમાં પાંચ વર્ષમાં પાંચ લાખ રોજગારી
– એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું વચન
– એક લાખ લોકોને સ્વાસ્થ્ય વિભાગમાં નોકરી, ૨૦૨૪ સુધીમાં દરભંગા એમ્સ ચાલુ કરાવવી.
– ધાન અને ઘઉં બાદ દાળની ખરીદી પણ એમએસપીના દરે
– ૩૦ લાખ લોકોને ૨૦૨૨ સુધીમાં પાક્કા મકાન આપવાનું વચન.
– ૨ વર્ષમાં ૧૫ નવા પ્રોસેસિંગ ઉદ્યોગ લાવવાનું વચન.
– ૨ વર્ષમાં મીઠા પાણીમાં ઉછરતી માછલીઓનું ઉત્પાદન વધારવું.
– ખેડૂત ઉત્પાદન સંઘોની વધુ સારી સપ્લાય ચેન બનાવવી, જેનાથી ૧૦ લાખ રોજગારી પેદા થશે.