અમદાવાદ : કોરોના વાયરસ ફાટી નીકળવાને પગલે હવે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે અંતર્ગત આ વર્ષે યોજાનાર મેડિકલ અને પેરા મેડિકલ સિવાયની તમામ યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સંચાલન સમિતિની બેઠકમાં આગામી ૨ અને ૧૩ જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાં મેડિકલ અને પેરા મેડિકલ પરીક્ષાઓ લેવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વાલીઓની ઉગ્ર માંગ હતી કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને એકઠા કરી પરીક્ષાઓ યોજવામાં ન આવે. આગામી બે મહિના કોરોનાને લઇને વધારે ક્રિટીકલ બનવાના છે.
દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. બીજી તરફ વિદ્યાર્થીઓ, કોલેજીયનોની સ્વાસ્થયની ચિંતાને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો બંધ છે. જયારે યુનિવર્સિટી દ્વારા ૨૫ મી જુનથી પરીક્ષાનું આયોજન કર્યુ હતુ. પરંતુ હવે તમામ લોકોના પ્રયત્નોથી આ પરીક્ષો મોકુફ રખાઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરતની નર્મદા યુનિવર્સીટીએ પણ આવો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીના કારણે સુરતના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા અને અતરિયાળ વિસ્તારમાંથી આવનારા વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપશે ? કયાં રહેશે ? જમવાની વ્યવસ્થા કેવી રીતે કરશે ? આ બધા જ પ્રશ્નોને લઇને એનએસયુઆઇ, એબીવીપી તેમજ સેનેટ, સિન્ડીકેટ સભ્યોએ ભારે વિરોધ નોંધાવીને પરીક્ષા મોકૂફ કરવા માટે માંગ કરી હતી.
આ માંગણી વચ્ચે આજે સવારથી જ એનએસયુઆઇના ભાવેશ રબારી, મનિષ દેસાઇ સહિતના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરની બહાર જયાં સુધી પરીક્ષા મોકૂફ નહીં થાય ત્યાં સુધી અંડીગો જમાવ્યો હતો. બીજી તરફ એબીવીપી પણ ૨૪ કલાકના અલ્ટીમેટમની રાહ જોઇ રહ્યુ હતુ. આવા સંજોગોને ધ્યાનમાં રાખીને આજે બપોરે ઇન્ચાર્જ રજિસ્ટ્રારે પરિપત્ર જારી કરીને મેડિકલ ફેકલ્ટી સિવાયની તમામ પરીક્ષાઓ આગામી ૧૩ મી જુલાઇ સુધી મોકૂફ કરી દેવાઇ છે. આ મોકૂફ કર્યા બાદ આગામી દિવસોમાં પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.