USA : ભારતમાં બેકાબૂ બનેલા કોરોનાએ સમગ્ર વિશ્વને ભયભીત કરી દીધું છે. ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે અમેરિકા પણ ચિંતામાં આવી ગયું છે અને ત્યાંની સરકાર સતત નવી નવી ગાઈડલાઈન જાહેર કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેરાત પ્રમાણે ૪ મે બાદ ભારતથી આવતા મુસાફરોને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે.
આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે પણ વ્યક્તિએ છેલ્લા ૧૪ દિવસમાં ભારતની મુસાફરી કરી હશે તેને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે. જો બિડેનના કહેવા પ્રમાણે અમેરિકી લોકોની ભલાઈને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ વ્યક્તિ દેશની નાગરિક નથી પરંતુ છેલ્લા ૧૪ દિવસમાં ભારતની મુસાફરી કરીને આવી છે તેને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ પણ આ નિર્ણય અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં હાલ માત્ર કોરોનાના કેસ જ નથી વધી રહ્યા પરંતુ અનેક નવા વેરિએન્ટ પણ જોવા મળ્યા છે. આ અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૪ મે બાદ મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જો કે અમેરિકાના આ નિર્ણયમાં કેટલાક લોકોને રાહત પણ આપવામાં આવી છે. જે અમેરિકી નાગરિક પાસે ગ્રીન કાર્ડ હશે, તેમની પત્ની અને ૨૧ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને આ પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવશે.
- Nilesh Patel