પ.બંગાળમાં વધતા સંક્રમણને અટકાવવા મમતા સરકારનો મોટો નિર્ણય…
જીવન જરૂરિયાતની દુકાનો સવારે ૭થી ૧૦ સુધી જ ખૂલ્લી રહેશે, લગ્નમાં ૫૦ લોકોને છૂટ,એસટી સેવા પર પ્રતિબંધ, પં.બંગાળમાં ૧,૩૧,૭૩૨ એક્ટિવ કેસ…
કલકત્તા : પશ્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે હવે રાજ્ય સરકારે ૧૬ થી ૩૦ મે સુધી આકરુ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે.
બંગાળમાં આ ૧૫ દિવસ માટે જરુરી સેવાઓને છોડીને મેટ્રો, બસ સેવાઓ, સ્કૂલો, કોલેજો અને બીજી સેવાઓ પણ બંધ રહેશે. સરકારના ચીફ સેક્રેટરીએ આ આદેશ હેઠળ બંગાળમાં ૧૬ થી ૩૦ મે સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. તમામ પ્રકારના રાજકીય સામાજીક અને ધાર્મિક કાર્યક્રમો પર પણ રોક લગાવવામાં આવી છે. જરુરી સેવાઓને બાદ કરતા બીજા ઉદ્યોગો પણ બંધ રહેશે.
લગ્નમાં પણ માત્ર ૫૦ લોકોને સામેલ થવાની પરવાનગી અપાઈ છે જ્યારે અંતિમ વિધિમાં ૨૦ લોકો જ સામેલ થઈ શકશે.તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે. સરકારી ઓફિસોને પણ બંધ રાખવામાં આવશે અને માત્ર જરુરી સેવા સાથે જોડાયેલા સરકારી વિભાગો જ કામ કરશે. ચાના બગીચાઓ અને શણની મિલોમાં ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવાનુ રહેશે. સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ અને મનોરંજનના બીજા સ્થળો પણ બંધ રહશે.
જીવન જરુરિયાતની વસ્તુઓ વેચતી દુકાનોને પણ સવારે ૭થી ૧૦ સુધી જ ખુલ્લી રાખવાનો આદેશ અપાયો છે.શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ પણ બંધ રાખવાના રહેશે.રાજ્યમાં એસટી સેવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. સરકારે કહ્યુ છે કે, લોકડાઉનનુ આકરુ પાલન કરાવાશે.જેઓ નિયમોનો ભંગ કરશે તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કુલ ૧૩૧૭૯૨ એક્ટિવ કેસ છે. અહીં અત્યાર સુધી ૧૨૯૯૩ લોકોના કોરોનાને લીધે મોત થયા છે. લગભગ ૯૫૦૦૧૭ લોકો સ્વસ્થ થઇ ચૂક્યાં છે.