છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧ હજાર કેસ નોંધાયા,૪૮૫ના મોત…
અસરગ્રસ્તોનો આંક ૯૩.૫૦ લાખથી વધુ થયો, મૃત્યુઆંક ૧.૩૬ લાખને પાર…
ન્યુ દિલ્હી : છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણને લઈને શુક્રવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા કે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવામાં આવે. ઠંડીની ઋતુમાં અનેક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવામાં અનેક રાજ્ય સરકારો ફરીથી એકવાર કરફ્યૂ અને રાત્રિ લોકડાઉનનો સહારો લઈ રહ્યા છે. આ બધા વચ્ચે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧,૩૨૨ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૯૩,૫૧,૧૧૦ પર પહોંચી ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ દેશમાં કોરોનાના ૪,૫૪,૯૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૮૭,૫૯,૯૬૯ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી ૪૮૫ લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૩૬,૨૦૦ પર પહોંચી ગયો છે.
હાલ કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ની મધરાત સુધી આગળ વધાર્યું છે. શુક્રવારે આપેલી આ જાણકારી મુજબ રાજ્યમાં ’મિશન બિગિન અગેન’ના દિશાનિર્દેશને ૩૧ ડિસેમ્બર સુધી આગળ વધારાયા છે. મહારાષ્ટ્ર સરકારે ૩૦ સપ્ટેમ્બ અને ૧૪ ઓક્ટોબરના રોજ ’મિશન બિગિન અગેન’ની નવી ગાઈડલાઈન બહાર પાડી હતી જેમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારની દુકાનોને સવારે ૯થી રાતે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ હતી.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં ૫ નવેમ્બરના રોજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નિયમોમાં થોડી છૂટ પણ આપવામાં આવી હતી. જો કે કન્ટેઈન્મેન્ટ ઝોન્સમાં કોઈ પણ પ્રકારની છૂટ અપાઈ નહતી. મિશન બિગિન અગેન હેઠળ સિનેમા હોલ, યોગ સંસ્થાનો, મલ્ટીપ્લેક્સ અને થિયેટરોને ખોલવાની મંજૂરી અપાઈ હતી.
શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૬૧૮૫ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૮,૦૮,૫૫૦ થઈ ગઈ છે. શુક્રવારે કોરોનાથી રાજ્યમાં ૮૫ લોકોના જીવ ગયા. કુલ મૃત્યુઆંક ૪૬,૮૯૮ થયો છે.