મે મોદી સાથે વાત કરી યુએસમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો આપવા વિનંતી કરી છેઃ ટ્રમ્પ
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીની સામે જંગ લડવા માટે ભારતને સહયોગ કરવા માટે અનુરોધ કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો અમેરિકાના આપવા માટે વિનંતી કરી છે. ભારતે ગત મહિને મેલેરિયાના દર્દીઓની સારવારમાં ઉપયોગી આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. અમેરિકામાં દિનપ્રતિદિન કોરોનાગ્રસ્ત દર્દીઓનો આકંડો વધી રહ્યો છે તેને જોતા અમેરિકાએ વૈશ્વિક મહામારી સામે લડવા હવે ભારત તરફ નજર દોડાવી છે.
ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પીએમ મોદી સાથે શનિવારે સવારે વાત કરી હતી અને હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો પર્યાપ્ત પુરવઠાની ખેપ અમેરિકા મોકલવા અનુરોધ કર્યો હતો. ‘ભારત મોટાપાયે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન કરે છે. કોરોનાના દર્દીઓની સારવારમાં મેલેરિયાની આ દવાનો ઉપગોય કારગર નિવડ્યો હોવાનું જણાતા અમેરિકાએ આનો જથ્થો ભારત પાસે માંગ્યો છે. તેઓ આ તરફ ગંભીર રીતે વિચારી રહ્યા છે.’
ભારતના ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે ૨૫ માર્ચના રોજ હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે માનવતાના ધોરણે વિશેષ મંજૂરી સાથે તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે.
અમેરિકામાં કોરોના વાયરસના કુલ ત્રણ લાખથી પણ વધુ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૮,૦૦૦ને પાર થઈ ગયો છે. ન્યૂયોર્કમાં ૫૦૦થી વધુ લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને કેટલાક ટ્રાયલમાં જોયું કે હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા જે દાયકા પૂર્વે મેલેરિયાની રસી તરીકે વિકસાવવામાં આવી હતી તે કોરોનાના દર્દીઓની સારવારમાં અસરકારક પરિણામ આપે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરીને પગલે આ દવાને અન્ય દવા સાથે દર્દીઓને આપવામાં આવી રહી છે.
- Nilesh Patel