વોશિંગ્ટન : સમગ્ર વિશ્વમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગઇકાલે વિશ્વમાં કોરોનાના ૭.૮૩ લાખ કેસ નોંધાયા હતા. આ દરમિયાન, ૧૧,૫૭૪ લોકો મૃત્યુ પામ્યા હતા. દુનિયામાં સૌથી વધુ કેસ હજી પણ ભારતમાં નોંધાઈ રહ્યા છે શનિવારે અહીં ૨.૬૦ લાખ નવા કેસ નોંધાયા હતા. આ પછી બ્રાઝિલમાં ૬૫,૭૯૨ અને અમેરિકામાં ૬૩,૫૮૧ નવા કેસ આવ્યા હતા. આ ઉપરાંત તુર્કીમાં ૬૨,૬૦૬ અને ફ્રાન્સમાં ૩૫,૮૬૧ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
બીજી તરફ, બ્રાઝિલથી ફ્રાન્સ આવતા લોકો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ફ્રાન્સમાં મળેલ બ્રાઝિલિયન સ્ટ્રેનના કેસો બાદ બ્રાઝિલથી આવતા લોકોને ૧૦ દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આ નિયમ ૨૪ એપ્રિલથી અમલમાં આવશે. વડાપ્રધાન ઓફિસે આ માહિતી આપી હતી.
ઇઝરાઇલે દેશમાં કોરોનાના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું છે. રવિવારથી અહીં ખુલ્લી જગ્યા પર માસ્ક પહેરવાનું ફરજિયાત રદ કરવામાં આવ્યું છે. હાલમાં બંધ સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. અહીં અત્યાર સુધીમાં ૫૭.૫% વસ્તીને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
વિશ્વમાં અત્યાર સુધીમાં ૧૪ કરોડ ૧૩ લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી ૩૦ લાખ ૨૩ હજાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ૧૧.૯૯ કરોડ લોકો સાજા થઇ ચૂક્યા છે. હાલમાં ૧.૮૩ કરોડ લોકો સારવાર હેઠળ છે. તેમાંથી એક લાખ ૬ હજાર ૮૮૬ દર્દીઓની હાલત નાજુક છે અને ૧.૮૨ લાખ લોકોમાં કોરોનાનાં હળવા લક્ષણો છે.