મુંબઈ : કોરોનાની બીજી લહેર ભારત માટે વધારે ખતરનાક સાબિત થઈ છે. દર્દીઓથી ઊભરાતી હોસ્પિટલો, વેન્ટિલેટર, ઓક્સિજનની અછત જેવા દ્રશ્યો જોઈને હૈયું ભરાઈ આવે છે. મહામારી દરમિયાન ઉદ્યોગજગતથી લઈને મનોરંજન અને ક્રિકેટ સુધીના સેલેબ્સ દેશવાસીઓની મદદે આવ્યા છે. અક્ષય કુમાર, અજય દેવગણ, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા જોનસ, સચિન તેંડુલકર વગેરે જેવા સેલિબ્રિટીઝ આ મુશ્કેલ સમયમાં દેશવાસીઓની મદદ માટે આગળ આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ ભારતીયોની મદદ માટે ફંડરેઝર શરૂ કર્યું હતું.
ક્રાઉડ ફંડિગ પ્લેટફોર્મ સાથે મળીને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ફંડરેઝર શરૂ કર્યું હતું. જેના થકી તેમણે કોરોના પીડિતોની મદદ માટે ૧૧ કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું છે. એક અઠવાડિયા પહેલા વિરાટ અને અનુષ્કા શર્માએ ફંડરેઝર શરૂ કર્યું હતું અને શુક્રવાર સુધીમાં ૧૧ કરોડથી વધુની રકમ એકત્ર કરી છે. અનુષ્કા અને વિરાટે સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાણકારી આપી હતી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ #InThisTogether હેશટેગ સાથે ક્રાઉડ ફંડિગ પ્લેટફોર્મ સાથે મળીને ફંડરેઝર શરૂ કર્યું હતું. કપલે ૭ મેના રોજ આ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનની શરૂઆત અનુષ્કા અને વિરાટે ૨ કરોડ રૂપિયા દાન આપીને કરી હતી. અઠવાડિયામાં તેમણે ૧૧, ૨૯,૧૧,૮૨૦ રૂપિયા એકત્ર કર્યા છે. અનુષ્કાએ લખ્યું, “તમે સૌએ આ મુશ્કેલ સમયમાં સાથે આવીને આપેલા યોગદાને અમને દંગ કર્યા છે. અમને કહેતા ગર્વ થાય છે કે, અમે અમારા શરૂઆતના ટાર્ગેટ કરતાં પણ વધુ રકમ ભેગી કરી છે. આ રકમ અનેક લોકોની જિંદગી બચાવામાં મદદ કરશે. ભારતના લોકો માટે તમે સૌએ આપેલા સહકાર માટે આભાર. તમારા સૌના સાથ વિના આ શક્ય ના બન્યું હોત. જય હિંદ.”
વિરાટ અને અનુષ્કાએ એક વિડીયો શેર કરીને સૌનો આભાર માન્યો હતો. અનુષ્કા અને વિરાટે વિડીયોમાં જણાવ્યું, તેઓ આ અભિયાન બંધ કરી રહ્યા છે કારણકે ટાર્ગેટ કરતાં વધુ રકમ એકત્ર કરી લીધી છે. દાન આપનારા સૌનો કપલે આભાર માન્યો છે. સાથે જ આ રકમનો ઉપયોગ દેશમાં કોરોના સામે લડવા માટે થશે તેમ જણાવ્યું હતું.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આ અભિયાન શરૂ કર્યું ત્યારે ટાર્ગેટ ૭ કરોડ રૂપિયા રાખ્યો હતો. જે બાદ લોકોનો ભારે પ્રતિસાદ મળતાં વધારીને ૧૧ કરોડ કરાયો હતો. હવે આ લક્ષ્ય સુધી પહોંચી જતાં તેમણે પોતાનું આ અભિયાન બંધ કરી દીધું છે. જણાવી દઈએ કે, ગત વર્ષે પણ વિરાટ અને અનુષ્કાએ કોરોના મહામારી સામે લડી રહેલા દેશને મદદ કરી હતી.