ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. કોરોનાનો કુલ આંકડો ૭.૫ લાખને પાર કરી ગયો છે. દરમિયાન, કેન્દ્ર સરકાર સતત દાવો કરી રહી છે કે દેશમાં કોઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. આજે ફરી દેશનાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન ડો.હર્ષ વર્ધને આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે.
તેમણે કહ્યું કે, આપણે ટીવી પર જોઇએ છીએ કે ભારત વિશ્વનો ત્રીજો કોરોના વાયરસથી પ્રભાવિત દેશ બન્યો છે. ઘણા લોકો આનાથી પરેશાન છે પરંતુ આપણે તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. ડો.હર્ષવર્ધન કહે છે કે આપણે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ. આપણા દેશમાં કોરોના ચેપની સંખ્યા સરેરાશ ચેપગ્રસ્ત વિશ્વનાં દર કરતા ઘણી ઓછી છે. આપને જણાવી દઈએ કે, આજે આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં દિલ્હીમાં જીઓએમ બેઠક મળી હતી.
તેમણે કહ્યું, ’આજે અમારી ચર્ચા દરમિયાન નિષ્ણાતોએ ફરીથી કહ્યું કે, ભારતમાં કોઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. કેટલાક સ્થાનિક વિસ્તાર હોઈ શકે છે જ્યાં ટ્રાન્સમિશન વધારે છે, પરંતુ દેશ તરીકે કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી.’ મંત્રીએ કહ્યું કે, આજે આપણો રિકવરી દર ૬૨.૦૮ ટકા છે, વિશ્વમાં આપણો મૃત્યુ દર ૨.૭૫ ટકા છે. આપણઓ ડબલિંગ રેટ ૨૧.૮ દિવસનો છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ભારતમાં આજ દીવસ સુધી કોઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયુ નથી.