બેઇજિંગ : કોરોના સંકટની વચ્ચે ચીનથી આવેલા સમાચારે દુનિયાને એક વખત ફરીથી ડરાવી દીધું છે. ચીનમાં બીજા એક સંક્રમણથી બીમારી ફેલાય રહી છે. અત્યાર સુધીમાં આ બીમારીથી સાત લોકોના મોત થઇ ચૂકયા છે અને ૬૦થી વધુ સંક્રમિત કહેવાય છે.
ચીનના સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. ટિક-જનિત આ બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાવાની આશંકાને જોતા ચીનમાં એલર્ટ રજૂ કરાયું છે. આમ તો પૂર્વ ચીનના જિઆંગસુ પ્રાંતમાં આ વર્ષના પહેલાં છ માસિકમાં ૩૭થી વધુ લોકો SFTS વાયરસના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ ૨૩ લોકો પૂર્વ ચીનના અનહુઇ પ્રાંતમાં સંક્રમિત થયા છે અને હવે આ આંકડો વધતો જઇ રહ્યો છે.
મીડિયા રિપોર્ટના મતે વાયરસથી પીડિત એક મહિલામાં પહેલાં તાવ, ઉધરસ જેવા લક્ષણો દેખાયા. ત્યારબાદ તપાસમાં ડૉકટરે કહ્યું કે તેમના શરીરમાં લ્યુકોસાઇટ અને પ્લેટલેટ ઘટી ગયા છે. જો કે એક મહિનાની સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે વાયરસના લીધે અત્યાર સુધીમાં અનહુઇ અને પૂર્વી ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે.
આમ તો SFTS વાયરસ ચીન માટે નવો નથી. ચીનમાં ૨૦૧૧માં તેની ખબર પડી હતી પરંતુ કોરોના સંકટની વચ્ચે જે રીતે તેના નવા કેસ સામે આવી રહ્યા છે તેનાથી તમામની ચિંતા વધી ગઇ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સંક્રમણ પશુઓના શરીર પર ચોંટતા ટિક જેવા કીડાથી મનુષ્યમાં ફેલાય શકે છે અને પછી તેનો ઝડપથી પ્રસાર થઇ શકે છે.