વૉશિંગ્ટન : અમેરિકામાં હાલ કોરોના વાયરસથી ઝઝૂમી રહ્યું છે. પ્રત્યેક દિવસે હજારો લોકો કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા છે. બરાક ઓબામાએ કોરોનાની વિરુદ્ધ અમેરિકાની સરકારના વલણને ’અરાજક આપદા’ ગણાવ્યું છે.
સામાન્ય રીતે બરાક ઓબામાં ડોલાન્ડ ટ્રમ્પની વિરુદ્ધ કોઈ રાજકીય ટિપ્પણી કરતા નથી. ડોલાન્ડ ટ્રમ્પે અનેક વખત ઓબામા પર પ્રહારો કર્યા છે તેમ છતાં તેમણે તેનો કોઈ જવાબ આપ્યો નથી. કોરોના સામેની લડાઈમાં જરૂરી વસ્તુઓની સપ્લાઈની માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામા અને તેમના કાર્યકાળને દોષિ ગણાવ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, બરાક ઓબામાએ શુક્રવારે ઓબામા એલુમીનાઈ એસોસિએશનના ૩૦૦૦ લોકોની સાથે વાતચીત કરી જેમણે ઓબામાના કાર્યકાળમાં કામ કર્યું હતું. આ મીટિંગ ઓબામાએ લોકોને અપીલ કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ સંભવિત ઉમેદવાર જો બિડનનો સાથે આપે.
ઓબામાએ જણાવ્યું કે, આગામી ચૂંટણી દરેક સ્તરે મહત્વની હશે કેમકે આપણે માત્ર એક વ્યક્તિ કે રાજકીય પાર્ટી સામે નથી લડી રહ્યા. આપણે લાંબા સમય સુધી સ્વાર્થી હોવા, એકબીજાને દુશ્મનની જેમ જોવા અને અરાજક હોવાના ટ્રેન્ડ સામે લડી રહ્યા છે.
ઓબામાએ વધુમાં જણાવ્યું કે, આ જ કારણ છે કે આ વૈશ્વિક મહામારીની વિરુદ્ધ આપણો જવાબ એટલો નિરાશાજનક અને ઠંડો છે. બાકીના લોકો સાથે જે થવું હોય તે થાય તેવી માનસિકતાને કારણે અરાજક આપદાની સ્થિતિ પેદા થઈ છે.