જાપાનમાં પ્રથમ મોત, ચીનમાં વધુ ૧૧૬ લોકોના મોત નિપજ્યા…
બીજિંગ : ચીનના કોરોના વાયરસના કહેરમાં મરનારા લોકોની સંખ્યા શુક્રવારે વધીને ૧,૪૮૩ પહોંચી છે, પરંતુ સખત અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાં નવા ચેપની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્રીય પ્રાંતનો આરોગ્ય આયોગે ૧૧૬ વધુ મોત અને ૪,૮૨૩ નવા કેસની માહિતી આપી છે. આ અંગેની પૃષ્ટિ તપાસ બાદ કરવામાં આવી છે. આ અગાઉ હુબેઈમાં કુલ ૨૪૨ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૧૪,૮૦૦ લોકોને અસર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ વાયરસના કારણે ૬૪,૬૦૦થી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે, તપાસ બાદ લોકોની વહેલી તકે સારવારથી તંદુરસ્ત બનેલા દર્દીઓની ગણતરી કરવામાં આવી રહી છે.
જાપાનનાં સ્વાસ્થ્ય મંત્રીએ પુષ્ટી કરી છે કે ત્યાં એક ૮૦ વર્ષની વૃદ્ધ મહિલાની કોરોના વાયરસનાં કારણે મોત થયું છે. કોરોના વિશ્વનાં અન્ય દેશોમાં પણ રુદ્ધ સ્વરૂપ લઈ રહ્યું છે, ચીન પછી હોંગકોંગ, ફિલીપિન્સ અને હવે જાપાનમાં મોતનો મામલો સામે આવ્યો છે.
ત્યારે જાપાનનાં યોકોહામા તટ પર પાર્ક કરાયેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ પર કોરોનાનાં નવા ૨૮ મામલાઓ સામે આવ્યા છે, ત્યારે આ સાથે ક્રૂઝ પર કુલ ૨૧૮ મામલાઓ સામે આવી ચૂક્યા છે. સાથે ક્રૂઝમાં ફરજ પર હાજર કેટલાક અધિકારીઓ પણ ચેપગ્રસ્ત છે.
આ ક્રૂઝ પર કુલ ૩૭૧૧ યાત્રીઓ છેલ્લા એક અઠવાડીયાથી ફસાયેલા છે. સાથે ગંભીર બાબત એ છે કે આ ક્રૂઝ પર ૧૩૮ ભારતીય નાગરીકો પણ ફસાયેલા છે. જેમાં બે ભારતીયોમાં કોરોના પોઝીટીવ આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ભારતીય એમ્બેસી જાપાન સરકારનાં સતત સંપર્કમાં છે.