ડૉક્ટર લી વેન્લીયાંગ પોતે પણ કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યા…
બીજિંગ : કોરોના વાઇરસ સામે સમગ્ર વિશ્વને ચેતાવનારા ચીની ડૉક્ટર લી વેન્લીયાંગનું નિધન થયાના અહેવાલ વહેતા થયા હતા.
પહેલીવાર ડૉક્ટર લીએ આ વાઇરસની વાત કરી ત્યારે ચીની પોલીસે તેમના પર સોશ્યલ મિડિયા પર અફવા ફેલાવવાનો આરોપ મૂકીને તેમને નોટિસ આપી હતી કે સાવચેત રહો નહીંતર તમારી સામે પગલાં લેવામાં આવશે.
સમગ્ર વુહાનમાં કોરોના વાઇરસ ફેલાઇ રહ્યા હતા ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર એ સમાચાર છૂપાવવાની કોશિશ કરી રહ્યું હતું. ડૉક્ટર લી પહેલી વ્યક્તિ હતી જેણે સમગ્ર વિશ્વને એક વિડિયો ક્લીપ દ્વારા આ વાઇરસ સામે ચેતતા રહેવાનું સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું.
વિધિની વક્રતા એવી છે કે ખુદ ડૉક્ટર લી પણ કોરોના વાઇરસનો શિકાર બનીને મૃત્યુ પામ્યા હતા. એક દર્દીના સંપર્કમાં આવ્યા બાદ ડૉક્ટર લી પણ આ વાઇરસનો ભોગ બન્યા હતા અને જાન્યુઆરીની ૧૨મીએ તેમને હૉસ્પિટલમાં ભરતી થવાની ફરજ પડી હતી.
ગયા વર્ષના ડિસેંબરની ૩૦મીએ ડૉક્ટર લીએ પોતાના સાથી ડૉક્ટરોને આ વાઇરસ સામે ચેતવ્યા હતા અને વાઇરસ સંબંધી માહિતી આપી હતી. ડૉક્ટર લી ફક્ત ૩૪ વર્ષના હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ડૉક્ટર લીના અવસાન અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.