વિશ્વમાં ૬૪૭૨૯ના મોત, ન્યૂયોર્કમાં ૨૪ કલાકમાં ૬૩૦ લોકો મોતને ભેટ્યા…
અમેરિકામાં વાયરસથી સંક્રમિતોનો આંકડો ૩ લાખને પાર…
USA : દુનિયાભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧૨ લાખ થઈ ગઈ છે. ૬૪ હજાર ૬૯૧ લોકોના મોત થયા છે. ત્યાંજ ૨ લાખ ૪૬ હજાર દર્દીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે. સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં અત્યાર સુધી ૮,૪૦૦ લોકોના મોત થઈ ગયા છે. અહિંયા સંક્રમણના ૩ લાખથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાનું એપિસેન્ટર માનવામાં આવતા ન્યૂયોર્કમાં ૨૪ કલાકમાં ૬૩૦ લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે, આગામી બે અઠવાડિયામાં અનેક લોકોના મોત થઈ શકે છે.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે શનિવારે જણાવ્યું કે, ૧૨ હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શનિવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, શનિવારે દેશમાં લગભગ ૩૪ હજાર નવા કેસ સામે આવ્યા છે.
ઈટાલીમાં કોરોના વાયરસના અત્યાર સુધી ૧,૨૪,૬૩૨ કેસ નોંધાયા છે. જ્યારે ૧૫,૩૬૦થી વધુ લોકોના મોત થયા છે. ઈટાલીમાં વીતેલા ૨૪ કલાકમાં ૬૮૧ લોકોના મોત થયા છે. નાગરિક સુરક્ષા વિભાગના એન્જેલ બોરેલીએ જણાવ્યું હતું કે, શુક્રવારની તુલનામાં કોરોના વાયરસના ૨,૮૮૬ નવા કેસ સામે આવ્યા છે. ૨૯,૦૧૦ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી ૨૦,૯૯૬ દર્દી સ્વસ્થ થઈ ગયા છે.
- Naren Patel