દ. કોરિયામાં સાજા થયેલા ૯૧ દર્દીના રિપોર્ટ ફરી પોઝિટિવ…
બ્રિટનમાં ૯૮૦ લોકોના મોત, અહીં ૧૦૨ વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ,ન્યૂયોર્કમાં ૧.૭૭ લાખ કોરોનાના દર્દી,ઈટાલીમાં ૧૮૮૪૯ લોકોએ જીવ ગુમાવ્યો…
USA : વિશ્વભરમાં કોરોનાના દર્દીઓ ૧૭ લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક લાખ બે હજાર ૭૩૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ ૭૬ હજાર ૩૨૫ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક ૯ હજાર થયો છે. મહામારીની ઈટાલી પછી સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અહીં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધારે નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪૩ લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક ૧૮ હજાર ૭૪૭ થયો છે. દક્ષિણ કોરિયામાં સાજા થયેલા ૯૧ દર્દીના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે.
ન્યૂયોર્કમાં ૨૪ કલાકમાં ૭૭૭ના મોત
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યએ પોઝિટિવ કેસની બાબતમાં તમામ દેશને પાછળ છોડી દીધા છે. અહીં કુલ ૧.૭૭ લાખ પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક ૭ હજાર ૮૪૪ થઈ ગયો છે.
ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના ૧.૪૮ લાખ પોઝિટિવ કેસ અને ૧૮ હજાર ૮૪૯ લોકોના થયા છે. ઈટાલીમાં અમેરિકા કરતા ૧૦૦ મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
ઈટાલીમાં ૨૪ કલાકમાં ૫૭૦ લોકોના મોત
ઈટાલીમાં ૨૪ કલાકમાં ૫૭૦ લોકોના મોત થયા છે. પહેલા અહીં ૯ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી લોકડાઉન હતું, ત્યારબાદ તેને ૧૩ એપ્રિલ સુધી કરાયું હતું અને હવે ત્રણ મે સુધી લંબાવાયું છે.
ફ્રાન્સમાં મૃત્યુઆંક ૧૩ હજારથી વધારે
ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧.૨૫ લાખ અને મૃત્યુઆંક ૧૩ હજાર ૧૯૭ થઈ ગયો છે. ઈટાલી, અમેરિકા અને સ્પેન પછી ફ્રાન્સ ચોથો દેશ છે જ્યા મૃત્યુઆંક વધારે છે.
બ્રિટનમાં ૧૦૨ વર્ષની વૃદ્ધા સાજી થઈ
બ્રિટનમાં ૭૩ હજાર ૭૫૮ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૮ હજાર ૯૫૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં ૨૪૪ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમા ૧૦૨ વર્ષની એક વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. જોકે આ વૃદ્ધાનું નામ જાહેર કરાયું નથી. બ્રિટનના પ્રધાનમંત્રી આઈસીયુની બહાર આવી ગયા છે. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
- Nilesh Patel