ઈઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી, સંક્રમિતોની આંકડો ૯ લાખને પાર…
લંડન/રોમ/મેડ્રિડ : વિશ્વભરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ૧૦ લાખના આંકે પહોંચવા આવી છે. અત્યાર સુધીમાં ૯ લાખ ૩૬ હજાર કેસ નોંધાયા છે. ૪૭ હજાર ૨૪૫ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧ લાખ ૯૪ હજાર ૨૮૬ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસથી બ્રિટનમાં ૨૪ કલાકમાં ૫૬૩ લોકોના મોત થયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ ૨૯૪૭૪ થયા છે જ્યારે મૃત્યુઆંક ૨૩૫૨ થયો છે.
અમેરિકામાં કોરોનાના ૨ લાખ ૧૫ હજાર ૨૧૫ કેસ નોંધાયા છે.મૃત્યુઆંક ૫૧૧૦ એ પહોંચ્યો છે. ઈટાલીમાં ૧ લાખ ૧૦ હજાર ૫૭૪ કેસ નોંધાયા છે, જ્યારે અહીં ૧૩૧૫૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં એક લાખ ૪ હજાર ૧૧૮ કેસ નોંધાયા છે, જ્યારે અહીં ૯૩૮૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઈઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી
ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રીના પત્ની કોરોના વાઈરસથી સંક્રમિત થચા છે. કોરોના વાઈરસના કારણે સરકારે લગાવેલા પ્રતિબંધોના કારણે ઈઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી છે. માર્ચની શરૂઆતમાં ૮ લાખ ૪૩ હજાર ૯૪૫ નવા બેરોજગાર લોકોએ નોંધણી કરાવવાની સાથે કુલ બેરોજગાર ૧૦ લાખ ૪ હજાર ૩૧૬ થઈ ગઈ છે. ઈઝરાયલ સરકારે કોરોના સામે લડવા માટે ૨૨.૫ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. ઈઝરાયલમાં કોરોનાના ૬૦૯૨ કેસ નોંધાયા છે અને ૨૫ લોકોના મોત થયા છે.
નેધરલેન્ડમાં ૨૪ કલાકમાં ૧૩૪ લોકોના મોત
નેધરલેન્ડમાં છેલ્લા ૨૪ કલાકમા ૧૩૪ લોકોએ કોરોના મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. ૧૦૯૦ નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસ ૧૩૬૧૪ થયા છે.
પાકિસ્તાને બે સપ્તાહ લોકડાઉન વધાર્યુ
કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે બે સપ્તાહ એટલે કે ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનના સમયગાળાને લંબાવી દીધો છે. પાકિસ્તાનમાં ૨૨૩૮ કેસ નોંધાયા છે અને ૩૧ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકોને અમેરિકાએ એરલિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છું. ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલું છે. અમેરિકાના રાજદૂતે કહ્યું છે કે ભારત સરકારે અમારા આ મિશનમાં પુરતો સહયોગ કર્યો છે. અમેરિકા ૬૦થી વધારે દેશોમાં ૨૫૦ પ્લેનની મદદથી પોતાના ૩૦ હજારથી વધારે નાગરિકોને એરલિફ્ટ કરી ચૂક્યું છે.
કોરોનાના કારણે ઘણી ઘરેલુ ઉડાન રદ્દ થઈ શકે છેઃ ટ્રમ્પ
કોરોનાને લઈને વ્હાઈટ હાઉસના બ્રિફિંગમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે દેશમાં ઘણા ઘરેલુ પ્લેન સેવા અને ટ્રેન સેવા રદ્દ કરવામાં આવી શકે છે. હું જોઈ રહ્યો છું કે અમુક વિમાનો કોરોના પ્રભાવિત શહેરોમાં જઈ રહ્યા છે, જે મને પસંદ નથી. જોકે હું તમામ ઘરેલુ ઉડાન રદ્દ કરવાના સમર્થનમાં નથી. પરંતુ ઝડપથી કોઈને કોઈ નિર્ણય લેવામાં આવશે. જે શહેર વધારે પ્રભાવિત છે ત્યા અવર-જવરનો પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
વેન્ટિલેટર, માસ્ક સહિત ૬૦ ટન મેડીકલ સામાન લઈને રશિયાનું કાર્ગો પ્લેન અમેરિકા પહોંચ્યું
કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે રશિયા અમેરિકાની મદદે આવ્યું છે. વેન્ટિલેટર, માસ્ક સહિત ૬૦ ટન મેડીકલ સામાન લઈને રશિયાનું કાર્ગો પ્લેન અમેરિકા પહોંચી ગયું છે. વ્હાઈટ હાઉસે એવી આશંકા વ્યક્ત કરી છે કે આગામી પંદર દિવસમાં બે લાખથી વધારે અમેરિકાના નાગરિકો જીવ ગુમાવશે. અમેરિકામાં કોરોના કેસ અને મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યા છે.
પનામામાં સ્ત્રી-પુરુષોને સાથે નીકળવા પર રોક
પનામા નામનાં દેશે એક નવી પહેલ શરૂ કરી છે. આ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે પણ કઇંક નવી જ રીતે કે જેમાં સ્ત્રી અને પુરુષો એકસાથે બહાર ના નીકળી શકે. હકીકતમાં પનામા દેશમાં ઓડ ઇવન સિસ્ટમ અનુસાર લોકડાઉન જાહેર કરાયું છે.
સ્પેનમાં એક દિવસનો સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો
આજે જાહેર કરવામાં આવેલા આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સ્પેનમાં કોરોના વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ બાદ ઓછામાં ઓછા ૧૦,૦૦૩ લોકોનાં મોત થયાં છે. અહી છેલ્લા ૨૪ કલાકમાં ૯૫૦ નવા મોત નોંધાયા છે. સ્પેન વિશ્વના સૌથી ખરાબ કોરોના અસરગ્રસ્ત દેશોમાંનો એક છે.