આણંદ : શહેરમાં કોરોનાનું સંક્રમણ નવા, નવા વિસ્તારોમાં વધી રહ્યાની ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. આણંદ જીલ્લામાં ખાનગી હોસ્પિટલના કોરોના રીપોર્ટનો સર્વે કરવામાં આવે તો હાલના આંકડા કરતા પણ મોટો આંકડો બહાર આવે તેમ છે. સરકારી તંત્રમાં તો જે તે ખાનગી હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગમાં જાણ કર્યા બાદ તેની નોંધ કરવામાં આવતી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેર સહિત વલાસણ-સોજીત્રા-ભાલેજ-ખાનપુરમાં નવા ૮ કેસો પોઝીટીવ નોંધાયા છે. જેમાં શહેરના પોલસન ડેરી રોડ ઉપર મીસ્કાહ સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ વ્હોરા, ઉ.વ. ૫૩, સો ફૂટના રોડ ઉપર રહેતા મોહંમદશા મોતીશા દિવાન, ઉ.વ. પપ, ભાલેજ રોડ ઉપર આવેલ ઉમરીનગરમાં રહેતા સત્તારભાઈ રસુલભાઈ વ્હોરા, ઉ.વ. ૭૨, સોજીત્રા નવા ચોક વ્હોરવાડમાં રહેતા ઈદ્રીશભાઈ વ્હોરા, ઉ.વ. ૬૮, બોરસદ તાલુકાના ખાનપુરમાં ઈરફાનશા સુલતાનાશા દિવાન ઉ.વ. ૪૪, ભાલેજની માયાવતન સોસાયટીમાં રહેતા યુનુશભાઈ ગફુરભાઈ વ્હોરા ઉ.વ. ૬૭ તથા વલાસણ ગામે રહેતા નરેન્દ્રભાઈ પટેલ તથા દેવેન્દ્રભાઈ પટેલના પણ કોરોના પોઝીટીવ આવ્યા છે.
આણંદ જીલ્લામાં અત્યાર સુધી સરકારી ચોપડે ૧૬૭ પોઝીટીવ કેસ નોંધાયા છે તેમજ જીલ્લામાંથી ૪૫૭૬ શંકાસ્પદ શખ્સોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૪૪૦૯ નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આણંદ જીલ્લામાં અત્યાર સુધી ૧૩૬ દર્દીઓને કોરોનાને મ્હાત આપી જ્યારે ૧૩ દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે.