રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તહેવારો પર મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે સૌરાષ્ટ્રમાં કેટલાક મંદિરો બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યો છે. તેમાં પણ તહેવારનો દિવસો નજીક આવી રહ્યાં છે. જેથી જન્માષ્ટમીના તહેવારો પર વીરપુરનુ જલારામ મંદિર કાલથી ૧૨ દિવસ અને ખોડલધામ મંદિર ૯થી ૧૬ ઓગસ્ટ સુધી બંધ રહેશે. બીજી તરફ ઉપલેટાનું માર્કેટિંગ યાર્ડ ૧૮ ઓગસ્ટ સુધી અને જામનગરનુ માર્કેટિંગ યાર્ડ ૧૬ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર ૮થી ૨૦ ઓગસ્ટ સુધી એટલે કે ૧૨ દિવસ સુધી બંધ રહેશે. આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસો કરતા તહેવારો અને રજાના દિવસોમાં ભક્તો ખોડલધામ મંદિરે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. પણ હાલ સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે અને બીજી તરફ તહેવારો નજીક આવી રહ્યાં છે. જેથી ખોડલધામ મંદિરમાં ભક્તોની ભીડ ન થાય તે માટે આગામી ૯થી ૧૬ ઓગસ્ટ સુધી ખોડલધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૬ ઓગસ્ટ બાદ સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે.