રૂપાલ : સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આ સંકટ સમયે ઘણા મેળાવડા રદ કર્યા છે. ત્યારે વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં ગાંધીનગરના રૂપાલ ગામમાં દર વર્ષે યોજાતી વરદાયીની માતાની પલ્લી આ વર્ષે નહી યોજાય. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટને જોતા ગ્રામજનોની અનુમતીથી આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. માતાજીની આ પલ્લીમાં હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે. જેમાં લાખો ભાવિકો પોતાની માનતા પુરી કરે છે, નોંધનીય છે કે રસ્તા પર ઘીની નદીઓ વહેતી હોય છે. પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો,દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડયા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાની પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી.
ગુપ્તવાસ પુરો કરી પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરી તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. ત્યાર બાદ હસ્તીનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો અહીં આવ્યા હતા અને સોનાની પલ્લી બનાવીને ગામમાં નિકાળી હતી. નવરાત્રીના નોમની મધરાત્રી બાદ લગભગ તમામ જ્ઞાાતિ-કોમના સાથ-સહકારથી નિકળતી આ પલ્લીના દર્શન માટે તથા પલ્લીમાં ચોખ્ખા ઘીનો અભિષેક કરવા માટે ગામે ગામથી ભક્તો આવતા હોય છે.આ જગવિખ્યાત પલ્લી પ્રસંગે મેળો પણ રૂપાલ ગામમા પણ યોજાય છે પરંતુ આ વખતે કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે પલ્લીનો મેળો યોજાશે નહીં તેવો નિર્ણય ગ્રામજનોની અનુમતીથી લેવાઇ ગયો છે ત્યારે મેળો ભલે ન યોજાય પરંતુ મહાભારતકાળથી ચાલી આવતી પલ્લીની પરંપરા જળવાઇ રહે તે માટે ભક્તોની લાગણી અને માંગણી ઉઠી છે. આ અંગે સ્થાનિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, આ વખતે નવરાત્રીની નોમ તા.૨૫ ઓક્ટોબરના રોજ છે ત્યારે આ નોમની મધરાત્રી બાદ પરંપરાગતરીતે એટલે કે,
પુર્ણ ધાર્મિકવિધી સાથે પ્રતિકાત્મક પલ્લી ગામમાં નિકળે તે જરૂરી છે ગામમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તથા ફરજીયાત માસ્ક સહિતના સરકારના તથા કોવિડના તમામ નિયમોનું પાલન કરીને ગામને બહારથી બ્લોક કરીને ગ્રામજનોની હાજરીમાં ગામના પરંપરાગત રૂટ પર પલ્લી વિધીવતરીતે ફરે અન ચોખ્ખાઘીનો પ્રતિકાત્મક અભિષેક પણ થાય તેવી માંગણી ઉઠી છે. આ બાબતે કલેક્ટર અને ગ્રામજનો તથા પલ્લીના વિવિધ મંડળો સાથે ચર્ચા વિચારણા આગામી દિવસોમાં કરવામાં આવશે અને ત્યાર બાદ કોરોનાનું સંક્રમણ વધે નહીં અથવા તો તે વખતની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરંપારાગત પ્રતિકાત્મક પલ્લી નિકાળવા અંગે નિર્ણય લેવામાં આવશે પરંતુ હાલની સ્થિતિએ આંતિરક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રૂપાલની પલ્લીનો મેળો કોઇ પણ સંજોગોમાં યોજાય તેમ નથી.એટલુ જ નહીં, નવારીત્રી દરમિયાનના દિવસોમાં ગામમાં દુકાનો પણ બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે જેથી ગામમાં વધતો જતો કોરોનાનો ચેપ કાબુમાં લઇ શકાય.