Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટ યથાવત્‌ : ૨૪ કલાકમાં ૫૭,૯૮૨ પોઝિટિવ કેસ, ૯૪૧ના મોત

દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો ૨૬ લાખને પાર, મૃત્યુઆંક ૫૦૯૨૧એ પહોંચ્યો…

બંગાળમાં ટીએમસી ધારાસભ્યનું સંક્રમણથી નિધન, મહારાષ્ટ્રમાં શરદ પવારના ૨ સુરક્ષા અધિકારી પોઝિટિવ…

ન્યુ દિલ્હી : દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૭,૯૮૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ હવે આ ઘાતક વાયરસથી અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૨૬,૪૭,૬૬૩ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૯૪૧ દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો વધીને ૫૦,૯૨૧ થઈ ગયો છે. જો કે દેશમાં ૧૯,૧૯,૮૪૩ લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે ૬,૭૬,૯૦૦ લોકો હજુ સારવાર હેઠળ છે.
આઇસીએમઆરના જણાવ્યાં મુજબ દેશમાં ૧૬ ઓગસ્ટ સુધીમાં કુલ ૩,૦૦,૪૧,૪૦૦ નમૂનાનું પરિક્ષણ થયું છે. જેમાંથી ૭,૩૧,૬૯૭ નમૂના રવિવારે પરિક્ષણ કરાયા. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ ૭થી ૮ લાખ નમૂનાનું પરિક્ષણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને ૭૨.૫૧ ટકા થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોરોનાથી ઠીક થનારાનો દર હવે ૯૦.૧૫ ટકા થયો છે. દાવો છે કે જેટલા પણ લોકો દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે તેમાંથી ૯૦ ટકાથી વધુ લોકો સાજા થઈ રહ્યાં છે. હવે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર ૬.૦૮ ટકા થયો છે. દિલ્હીમાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓમાંથી ફક્ત ૭.૦૯ ટકા જ સક્રિય છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો દર ૨.૭૫ ટકા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં ૧૬ ઓગસ્ટ સુધીમાં કુલ ૩,૦૦,૪૧,૪૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. માત્ર રવિવારે ૭,૩૧,૬૯૭ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના સૂચના બાદ ગુજરાત અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સમરેશ દાસનું સોમવારે નિધન થયું છે. તે કોરોના વાઈરસથી સંક્રમિત હતા. ૭૭ વર્ષના સમરેશ દાસ પૂર્વ મિદનાપુરના એગરાથી ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવારના આવાસ પર તહેનાત બે સુરક્ષા અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Related posts

મોદી લોકોના જીવન કરતા ચૂંટણીને પ્રાથમિકતા આપી રહ્યા છે : કૉંગ્રેસ

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૯ આતંકીઓનો ખાત્મો

Charotar Sandesh

સિક્સર કિંગ યુવરાજસિંહની ક્રિકેટને ‘અલવિદા’…!!

Charotar Sandesh