ગાંધીનગર : કોરોના મહામારીમાં રાજ્યની જેલમાંથી અલગ-અલગ પ્રકારે જામીન મેળવીને કેદીઓને છોડવામાં આવ્યા હતાં. પરંતુ તેમાંથી ૧૦૩૫ કેદીઓ એવાં છે કે જેઓ જેલમાં હજી સુધી પરત ફર્યા નથી. જેથી તેઓને જેલમાં પરત લાવવા પોલીસ બેડામાં દોડધામ શરૂ થઇ ગઇ છે. પોલીસ તંત્ર આ કેદીઓને પકડવા માટે એલર્ટ થઇ ગઇ છે.
રાજ્યના તમામ જિલ્લાઓના પોલીસ વડાને ઝ્રૈંડ્ઢ ક્રાઇમના વડા ડીજીપી ટી.એસ બિસ્ટે એક પત્ર પાઠવીને પેરોલ-ફર્લો જમ્પ કરીને ભાગતા ફરતા આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “રાજ્યના પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન મેળવીને અથવા તો પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા કેદીઓને શોધી કાઢવા માટે ડ્રાઇવ યોજવી.
૮ તારીખથી શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઈવ આગામી તારીખ ૨૨ સુધી ચાલશે. આ ડ્રાઈવ દરમ્યાન ખૂન, ખંડણી, લૂંટ, સમાજમાં ભય કે આતંકનો માહોલ ઉભો કરનારા તેમજ શારીરિક બળજબરી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડું કેદીઓને ઝડપી લેવાની તાકીદ કરવામાં આવી છે.
આ મામલે જે-તે જેલમાંથી કેદીઓનાં નામ, કેદી નંબર, કયા હેડનો આરોપી ભાગ્યો છે તેને ફરી પકડી પાડ્યાની તારીખ સહિતની વિગતો સીઆઈડીની ગાંધીનગર કચેરીએ નિયમિત મોકલવાની રહેશે. અત્રે નોંધનીય છે કે, કોરોના કાળ દરમ્યાન રાજ્યની જેલોમાં હાજર કેદીઓના સ્વાસ્થ્યની સાચવણી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ કારણે જેલમાંથી વચગાળાની મુક્તિ મેળવનારા કેદીઓ પરત ફર્યાં કે નહીં તેનાં પર ધ્યાન કેન્દ્રીત ન હોતું થઈ શક્યું. કેમ કે રાજ્યભરની પોલીસ કોરોનાની કામગીરીમાં ગળાડૂબ હતી.