અમદાવાદ : ઇંગ્લેન્ડની સામે પાંચમી ટી૨૦ ઇન્ટરનેશનલથી પહેલાં વિરાટ કોહલીએ ૮૩ ઇનિંગ્સમાં માત્ર સાત વખત ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ૨૦૧૮ બાદ તો તેણે માત્ર એક જ વખત ટી૨૦ ઇન્ટરનેશનલમાં ઓપનિંગ કરી હતી. જો કે હવે એવું લાગે છે કે ભારતીય કેપ્ટન આ વિકલ્પ પર ગંભીરતાથી વિચારી રહ્યા છે.
કેપ્ટન કોહલીએ કહ્યું, આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઇનિંગ્સની શરૂઆત કરશે. આ વર્ષે ઑક્ટોબરમાં ભારતમાં ટી૨૦નો વર્લ્ડ કપ રમાવાનો છે અને કોહલી આની પહેલાં ભારતીય ટીમ માટે તમામ વિકલ્પો ચકાસી રહ્યો છે.
લોકેશ રાહુલને ચાર મેચોમાં તક આપી. શિખર ધવને પણ એક વખત ઇનિંગ્સની શરૂઆત કરી પરંતુ જોડી તરીકે કોઇ સફળ થયું નહીં. પરંતુ છેલ્લી મેચમાં કોહલી અને રોહિત શર્માની જોડીએ આ સિલસિલાને તોડ્યો. કોહલીએ ૩૪ બોલ પર તાબડતોડ ૬૪ રન બનાવ્યા અને કોહલી અંત સુધી નોટઆઉટ ૫૨ બોલ પર ૮૨ રનની ઇનિંગ્સ રમ્યો. ભારતે ૨ વિકેટ પર ૨૨૪ રનનો સ્કોર બનાવ્યો.
કોહલીએ મેચ બાદ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરતાં કહ્યું, ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં તે બીજી મેચોમાં ઇનિંગ્સ રમવાનું શરૂ કરશે. કોહલીએ કહ્યું, હું આઇપીએલમાં પણ ઇનિંગ્સની શરૂઆત કરીશ. તેણે કહ્યું, મેં પહેલાં અલગ-અલગ પોઝીશન પર બેટિંગ કરી છે પરંતુ હવે મને લાગે છે કે અમારી પાસે ઘણા મજબૂત મિડલ-ઑર્ડર છે અને હવે સમય આવી ગયો છે કે બે સર્વશ્રેષ્ઠ બેટસમેન ટી૨૦માં સૌથી વધુ બોલનો સામનો કરે. તો હું ચોક્કસ રોહિતની સાથે ટી૨૦માં ઇનિંગ્સની શરૂઆત કરવા ઇચ્છીશ. કોહલીએ કહ્યું, અમારી પાર્ટનરશીપ સારી ચાલે અને અમે બંને સેટ હોઇએ. તો તમે જાણો છો કે અમારાથી કોઇપણ બોલર્સ આક્રમણને નુકસાન પહોંચાડી શકીએ છીએ. અમે આ જ ઇચ્છીએ છીએ. સાથો સાથ અમારામાંથી કોઇ એક પણ વિકેટ પર છે તો અન્ય બેટસમેનને પણ ઘણો વિશ્વાસ મળે છે અને તે પણ ખૂબ જ ખૂલીને રમે છે. આ ટીમ માટે સારું છે અને હું તેને ચાલુ રાખવા માંગીશ. મને આશા છે કે હું વર્લ્ડ કપમાં પણ આ ફોર્મને ચાલુ રાખી શકું.