આણંદ : આણંદ જિલ્લાના ખંભાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. ખંભાત સહિત આણંદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદ થયો છે. ભર ઉનાળે ગાજ વીજ પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને પગલે બાજરીના પાકને નુકશાનની આશંકા ખેડૂતોમાં વર્તાઈ રહી છે.
અમરેલી જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદનું આગમન…
અમરેલી જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. જેમા ઠવી, વીરડી, શેલણા,વિજપડી સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. તો બીજી તરફ રાજુલા પંથકમાં પણ વરસાદી માહોલ સાથે ભારે પવન ફુંકાયો છે અને સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
ભરૂચમાં નિસર્ગ વાવાઝોડાની અસર વર્ત…
તો આ તરફ ભરૂચમાં નિસર્ગ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જંબુસર તાલુકાના દરિયા કિનારા નજીક ગામોના વાતાવરણમાં પલટો આવ્યો છે. જંબુસરના દરિયા કાંઠાના ગામ ઇસનપુર, ઝામડી અને છીદ્રામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
માલપુર પંથકમાં ધોધમાર વરસાદ…
અરવલ્લીમાં પણ ગત રાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને મોડાસા, માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ થતા જ વીજળી ડુલ થઈ ગઈ હતી. વરસાદ થતા ખેતીવાડીને નુકશાન થવાની સંભાવના છે.
ગીર સોમનાથ જીલ્લામાં નિસર્ગ વાવાઝોડા અસર જોવા મળી…
ગીર સોમનાથ જીલ્લામાં નિસર્ગ વાવાઝોડા અસર જોવા મળી રહી છે. વેરાવળ, તાલાલા, સુત્રાપાડા સહિતના પંથકમાં વરસાદ થયો. તાલાલા ગીરમા ધોધમાર વરસાદ થતાં રસ્તા પર પાણી વહેતા થયાં. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીના હજારો બોક્સ પલળતા વેપારીઓ નુક્શાનની ભીતી સેવી રહ્યા છે. તો કેસર કેરીના ખેડૂતોની પણ ચિંતા વધી છે.
સાવલીના મેવલી વસનપુરા રોડ પર ભારે પવન સાથે વરસાદ…
વડોદરા સાવલીના મેવલી વસનપુરા રોડ પર ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવનના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે..જેના લીધે દસથી વધુ જગ્યાએ વાહનવ્યવહાર થપ્પ થઈ ગયો.
ઉમરગામ તાલુકામા મેઘરાજાનીં પધરામણી…
દક્ષિણ ગુજરાતના છેવાડાના ઉમરગામ તાલુકામા મેઘરાજાનીં પધરામણી થઈ છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમા મેઘરાજાના આગમનથી વાતવરણમા ઠંડક પ્રસરી છે. ભારે ગરમીના બફારા બાદ મૌસમ વરસાદી બનતા લોકોને ભારે ગરમીથી રાહત મળી છે.
નાળ ગામે વીજળી પડતા ૧૬ બકરીઓના મોત…
વરસાદી વાતાવરણને કારણે અમરેલીમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. સાવરકુંડલા પાસે આવેલ નાળ ગામે વીજળી પડતા ૧૬ બકરીઓના મોત થયા છે. ડુંગર પર માલધારી બકરીઓ ચરાવી રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની અને સાવરકુંડલાના મામલદારે પોતે આ મામલે પુષ્ટિ આપી છે. મહત્વનું છે કે ડુંગરાળ વિસ્તારમાં વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પુર આવતા નદીમાં પાણી વહેતા થયા છે.