રાજ્ય સરકારે ખંભાત તોફાનની ગંભીર નોંધ લીધી…
આણંદ : ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે પણ અજંપાભરી શાંતિ રહી હતી. જો કે ખંભાત હિંસાને પગલે રાજ્યના ગૃહ વિભાગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ SP મકરંદ ચૌહાણ અને ખંભાતના DySP રીમા મુનશીની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે.
મકરંદ ચૌહાણના સ્થાને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનર અજિત રાજીયાણને આણંદ SP તરીકે નિમણૂંક કરાઈ છે અને તેમને હાલ કોઈ પોસ્ટની ફાળવણી કરાઈ નથી. તેવી જ રીતે ખંભાતના DySP કેડરના સબ ડિવિઝન પોલીસ ઓફિસર રીમા મુનશીના સ્થાને અમદાવાદ એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભારતી પંડ્યાને મૂકવામાં આવ્યા છે. તેમજ તેમને પણ હમણાં પૂરતા કોઈ જગ્યાની ફાળવણી કરાઈ નથી.
ગુજરાત ડીજીએ પણ પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરી છે. ખંભાત પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ચૌહાણની બદલી કરીને તેમના સ્થાને તારાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએસ ગોહિલની ખંભાત પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. ડીપી ચૌહાણને લીઝ રિઝર્વમાં મોકલાયા છે. જ્યારે ચાર્જમાં રહેલા પેટલાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપીઆઈ વાય આર ચૌહાણને ખંભાત પોલીસ સ્ટેશનના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.