કોરોનાના એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા…
સંક્રમિતોનો આંકડો ૧,૦૭,૪૭૫એ પહોંચ્યો, મૃત્યુઆંક ૩૩૦૨, અત્યાર સુધી ૪૨,૩૦૯ દર્દીઓ સાજા થયા,રિક્વરી રેટ ૪૦ ટકા નજીક પહોંચ્યો…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાનો પહેલો કેસ આવ્યાં બાદ અત્યારસુધીમાં સૌથી વધુ ૬૧૪૧ પોઝીટીવ કેસો છેલ્લાં ૨૪ કલાક નોંધાયા છે. અને છેલ્લાં ૨૪ કલાકમાં ૧૪૦ લોકો કોરોના સંક્રમણને કારણે નિધન પામ્યા હતા. અત્યારસુધી ૫ હજાર કેસો સૌથી વધારે બહાર આવ્યાં હતા પરંતુ તે રેકોર્ડ તૂટતો હોય તેમ હવે ૬૧૪૧ કેસો બહાર આવતા તંત્રમાં ચિંતાની લાગણી સર્જાઇ હતી. કેમ કે લોકડાઉન-૪માં વધુ છૂટછાટો આપવામાં આવી રહી છે અને વધુમાં વધુ લોકો ઘરની બહાર નિકળી રહ્યાં હોઇ કોરોનોનો ચેપ વધવાની શક્યતા વચ્ચે ૬ હજાર કરતાં વધારે કેસો વહીવટીતંત્ર માટે ખરેખર ચિંતાજનક કહી શકાય, એમ સૂત્રોએ કહ્યું હતું. છેલ્લાં ૫-૬ દિવસથી આંકડા જોઇએ તો ૪-૫ હજારની વચ્ચે આવી રહ્યાં હતા પણ હવે તો આ આંકડો ૬ હજારને વટાવી ગયો છે ત્યારે કેસો હજુ વધી શકે એવો પણ એક મત વ્યક્ત થઇ રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે ૪૨,૨૯૮ લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ સુધરીને ૩૯.૬૨ ટકાએ પહોંચ્યો છે.
દેશભરમાં અત્યાર સુધી કોરોનાથી ૧,૦૬,૪૭૫ લોકો સંક્રમિત થયા છે અને ૩,૩૦૨ લોકોના મોત થયા છે. સાથે જ સારવાર બાદ ૪૨,૩૦૯ દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે ૩૭,૧૩૬ સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અહીંયા ૯,૬૩૯ દર્દીઓ સાજા થયા છે. તમિલનાડું ૧૨,૪૪૮ સંક્રમિતો સાથે બીજા નંબરે છે. જ્યાં ૪,૮૯૫ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં દર્દીઓનો આંકડો ૧૨,૧૪૧ થયો છે અને ૫,૦૪૩ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
મંગળવારે સંક્રમણના ૬૧૪૧ કેસ સામે આવ્યા તો ૩૦૩૦ સાજા પણ થયા હતા. આ સંખ્યા એક દિવસમાં સૌથી વધારે છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે ૫૦૪૯ દર્દી ૧૭ મેના રોજ મળ્યા હતા. ૨૦ મેના રોજ માત્ર મહારાષ્ટ્રમાં ૨૦૭૮ દર્દી વધ્યા હતા. રાજ્યમાં સતત ચોથા દિવસે ૨ હજારથી વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત તમિલનાડુમાં ૬૮૮, દિલ્હીમાં ૫૦૦, ગુજરાતમાં ૩૯૫, રાજસ્થાનમાં ૩૩૮, ઉત્તરપ્રદેશમાં ૩૨૧, મધ્યપ્રદેશમાં ૨૨૯ દર્દી મળ્યા હતા.
તેલંગાણામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ નવા પોઝિટિવ મળ્યા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો ૧૬૪૩ થઈ ગયો છે. વંદે ભારત મિશન હેઠળ બુધવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ૧૭૫ ભારતીયોને લઈને બહરીનથી હૈદરાબાદ પહોંચી હતી. આસામમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ મહિનાની બાળકી સહિત ૪૨ પોઝિટિવ કેસ મળ્યા હતા.જે એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૫૭ થઈ ગઈ છે.
રાજસ્થાનમાં આજે બુધવારે સવારે ૯ વાગ્યા સુધી કોરોના વાયરસના ૬૧ નવા પૉઝિટીવ કેસ નોંધાયા હતા,તે સાથે રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને ૫૯૦૬ થઇ છે. પશ્ચિમ બંગાળમાં આજે કોરોનાના ૧૩૬ નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે વધીને ૨,૯૬૧ થઈ ગઈ છે, જેમાં ૧૭૮ લોકો મૃત્યુ પામ્યા છે.
કોરોનાની આ સ્પીડનાં તમામ પાસાઓ પર ભારતની તુલના દુનિયાનાં બાકીનાં દેશો સાથે થઈ રહી છે. આમાં એક દેશ બ્રાઝિલ પણ છે. રસપ્રદ વાત એ છે કે સ્થિતિ એક જેવી હોવા છતા બ્રાઝિલમાં ભારતથી પાંચ ગણા વધારે મોત થયા છે.
બંને દેશોની સ્થિતિ ઘણી રીતે એક જેવી છે. બંને દેશો મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થા છે. બંને બ્રિક્સ રાષ્ટ્ર છે. બંને દેશોમાં મોટી વસ્તીવાળા શહેરો છે, જ્યારે મોટા સ્લમ પણ છે. ડેમોગ્રાફિક, આર્થિક અને હેલ્થ ઇન્ડિકેટર્સ પણ બંને દેશોનાં લગભગ સમાન છે. બંને દેશ કોરોના વાયરસનાં વધતા બોઝથી ઝઝુમી રહ્યા છે. બંને દેશોમાં માર્ચનાં મધ્યથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.