નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ ચાર કેસ મળી આવ્યા છે. આ કેસોમાં મોટાભાગે અમદાવાદનું કનેકશન બહાર આવ્યું છે. નડિયાદ શહેરના બારકોશિયા રોડ પર આવેલી ગુલિશતા સોસાયટીમાં રહેતા એક ૪૫ વર્ષના વ્યકિતને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. તેની હિસ્ટ્રી જોવામાં આવે તો, એક અઠવાડિયા પહેલાથી તાવ આવતો હતો. દવા લીધા બાદ પણ તબિયતમાં સુધારો જણાતો ના હોવાને કારણે તેઓએ અન્ય ખાનગી દવાખાને સારવાર કરાવી હતી. છેવટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયા હતા.
તેઓનો રિપોર્ટ તા.૧૯મીએ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જયારે બીજો કેસ કપડવંજ તાલુકાના નિરમાલી ગામે રહેતા ૨૫ વર્ષના યુવકને આવ્યો હતો. તે અમદાવાદ ખાતે નોકરી કરતા હતા. તેમજ નિયમિત રીતે અપડાઉન કરતા હતા. જયારે ત્રીજો કેસ મહુધા તાલુકાના વડથલ ગામની એક મહિલાનો આવ્યો છે તેઓ અમદાવાદ ખાતે રહે છે.
પરંતુ વડથલ પિયર હોવાને કારણે અવારનવાર અવરજવર કરે છે. તેઓને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોવાને કારણે તેઓને અમદાવાદની હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. જયારે ચોથો કેસ ખેડા તાલુકાના લાલી ગામે રહેતા એક મહિલાને આવ્યો હતો. તેઓ પણ બારેજા ખાતે અવરજવર કરતા હોવાને કારણે સંક્રમણ થયું હતું.