ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે દિલ્હી બોર્ડર પર ખેડૂતોનુ આંદોલન હજી ચાલુ જ છે ત્યારે આંદોલનની આગેવાની કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ચેતવણી આપી છે કે, ખેડૂતોનુ આંદોલન અનિશ્ચિતકાળ સુધી ચાલુ રહી શકે છે.
ટિકૈતે કહ્યુ હતુ કે, આવુ એટલા માટે કહેવુ પડી રહ્યુ છે કારણકે આંદોલનની કોઈ સમયસીમા નક્કી કરવામાં આવી નથી. કદાચ ઓક્ટોબર સુધી પણ આંદોલન ચાલી શકે છે. જોકે અન્ય એક ખેડૂત નેતા ગુરનામસિંહે કહ્યુ હતુ કે, ઓક્ટોબર મહિના સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોની યોજના છે.
ટિકૈતે આ પહેલા પણ ચેતવણી આપી હતી કે, ખેડૂત આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર ત્રણ કાયદા પાછા ખેંચતી નથી અને ઓકટોબર સુધી આંદોલન ચાલુ રહે તો નવાઈ નહી હોય.
તેમણે એમ પણ કહ્યુ છે કે, દર વર્ષે ૨ ઓક્ટોબરે ખેડૂતો દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર પ્રદર્શન કરશે. આ દિવસે ખેડૂતો પર લાઠીચાર્જ કરાયો હતો અને હવે દર વર્ષે ઘટનાને યાદ કરવા માટે અહીંયા કાર્યક્રમ યોજવામાં આવશે.
જાણવા મળતી વિગતો પ્રમાણે રાકેશ ટિકૈત મહારાષ્ટ્રના યવતમાલમાં પણ ૨૦ ફેબ્રુઆરીએ ખેડૂતોની એક સભાને સંબોધિત કરવાના છે. આ સંજોગોમાં દિલ્હીમાં ચાલી રહેલુ આંદોલન મહારાષ્ટ્રમાં પણ વેગ પકડે તેવી અટકળો થઈ રહી છે.