અમદાવાદ : પેટા ચૂંટણીને લઇને ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે પેટા ચૂંટણીઓ માટે ભાજપની તૈયારીઓ અંગે મોચરા-સેલના હોદેદારો સાથે બેઠક યોજાઈ હતી. આ મામલે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં ખાટલા બેઠકો સાથે લોકોની વચ્ચે જવા સૂચના આપવામાં આવી છે. તમામ આઠ બેઠક પર જે આગેવાનોને જવાબદારી સોંપી છે. તેમની સાથે બુથ સ્તર સુધીની વ્યવસ્થા ગોઠવાઈ છે. ભાજપના તમામ આગેવાનોને બેઠકો જીતાડવા કામે લાગે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
હાઇકોર્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રદેશ ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે, કોરોના મહામારી અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચોક્કસ ગાઈડલાઈન અને સૂચનાઓ છે. તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ના નિયમોનું પાલન કરવું જોઇએ. જન પ્રતિનિધિઓની વિશેષ જવાબદારી છે કે, નિયમોનું પાલન કરે. પ્રદેશ ભાજપે નીચે સુધી તમામ સૂચનાઓ આપી છે. કોંગ્રેસના વિરોધ પર પ્રતિક્રિયા આપતા પ્રદેશ ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે, ખેડૂતો મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર બિલ અંગેની ગેરસમજો દૂર કરી રહી છે.
ખેડૂતો મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. હાથરસ મુદ્દે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પગલાં ભરી રહી છે. આ મુદ્દે રાજકીય ટીકા ટિપ્પણી યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં હાથ રસ મામલે સવાલ પૂછતાં તેઓ કંઇપણ બોલવાનું ટાળી ત્યાંથી રવાના થયા હતા.