ઉનાળાના તાપમાં વાયરસ ના ફેલાય તેવી માન્યતા તદ્દન ખોટી અને પાયાવિહોણી : પ્રિન્સટન યુનિવર્સિટી
નવી દિલ્હી : પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધમાં ગરમ તાપમાનને કારણે કોરોના વાયરસનો રોગચાળો ફેલાતો અટકશે તેવી અટકળો તદ્દન ખોટી અને પાયા વિહોણી છે. જર્નલ ‘સાયન્સ’માં પ્રિન્સટન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અંતર્ગત સોમવારના રોજ આ તારણ કાઢવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન હાથ ધરવામાં આવેલા કેટલાક આંકડાકીય અભ્યાસોમાંથી એવું સામે આવ્યું હતું કે હવામાન અને કોરોના વાયરસ વચ્ચે કોઈ સંબંધ છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઉનાળામાં ગરમ હવામાન દરમિયાન વાયરસ ફેલાવાની શક્યતા ઓછી થઈ જશે. પરંતુ આ બધા નિષ્કર્ષ પ્રારંભિક હતા. હવામાન અને વાયરસ વચ્ચેના સચોટ સંબંધ વિશે આપણે મોટાભાગની બાબતોથી હજી પણ અજાણ છીએ.
પ્રિન્સટન યુનિવર્સિટીના અભ્યાસમાં હવામાન અને વાયરસ વચ્ચે કોઈ પણ સંબંધ નથી રહેલો તેવું કહેવામાં નથી આવ્યું, પરંતુ આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે કોરોના વાયરસના ફેલાવા પર હવામાનની કોઈ ખાસ અસર નહીં રહે.