ન્યુ દિલ્હી : કોરોના મહામારીને પગલે વિદેશથી આવતા મુસાફરોને એરપોર્ટથી ૭ દિવસમાં ફરજિયાત ઈન્સિટટ્યુશનલ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. મુસાફરો ૭ દિવસ બાદ જ પોતાના ઘરે જઈ શકતા હતા, પરંતુ હવે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીન બંધ કરવામાં આવતાં મુસાફરો એરપોર્ટથી સીધા પોતાના ઘરે જ ૧૪ દિવસ માટે ક્વોરન્ટીન રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉન પછી વિદેશથી આવતી ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થયો છે, જેથી ઇન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીન વ્યવસ્થામાં ભારણ વધ્યું છે. ગુજરાત સરકારે વિદેશમાંથી આવતા મુસાફરો હવે એરપોર્ટથી સીધા જ પોતાના ઘરે જ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન રહે એ માટેની એક નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે.હવે વિદેશથી આવતા પ્રવાસીઓને એરપોર્ટથી ક્વોરન્ટીન કરવામાં નહીં આવે. જીએડીના ઉપસચિવ આઈ. એ. દવેએ મંગળવારે એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે,
જેમાં વિદેશથી આવતા મુસાફરોને ૭ દિવસના ઇન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીનની જે વ્યવસ્થા ચાલી રહી હતી એને હવે રદ કરવામાં આવી છે. આ પહેલાં વિદેશથી આવતા મુસાફરોને સરકારી સેવા અથવા તો હોટલોમાં ૭ દિવસ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. સાથે જ પ્રેગ્નેન્ટ વુમન, માનસિક બીમારી અને ૧૦ વર્ષથી નાની ઉંમરનાં બાળકો સાથે આવતા મુસાફરોએ બોર્ડિંગના ૭૨ કલાક પહેલાં જવું હશે તો તેમને સીધા જ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન હેઠળ જવા દેવામાં આવશે. તેવી જ રીતે પ્રવાસ પહેલાં ૯૬ કલાકમાં આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ધરાવતા મુસાફરોને પણ ૧૪ દિવસનું હોમ ક્વોરન્ટીન મળશે.
આ પરિસ્થિતિ સિવાય જેમને ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીનની પરવાનગી મળી ન હોય તેવા પેસેન્જરનું એરપોર્ટ ઉપર જ મેડિકલ ચેક-અપ થશે. વિદેશથી આવતા પ્રસાસીઓ કે જેમાં કોરોનાનાં લક્ષણો ન હોય તેવા મુસાફરોને ૧૪ દિવસના હોમ ક્વોરન્ટીન માટે જવા દેવામાં આવશે. જોકે જે વ્યક્તિમાં કોવિડ-૧૯નાં લક્ષણો જોવા મળશે તેમનો તાત્કાલિક રેપિડ એન્ટિજન ટેસ્ટ થશે અને ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવશે તો નજીકની કોવિડ હોસ્પિટલ અથવા તેમને હોમ આઈસોલેશન કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો તો શંકાસ્પદ લક્ષણો ધરાવતા પેસેન્જરનો આરટી-પીસીઆરનો ટેસ્ટ થશે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો હોસ્પિટલ અથવા હોમ આઈસોલેશન કરવામાં આવશે.