૨૭ કોર્પોરેટરે વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ…
સુરત : ગુજરાતના ઇતિહાસમાં સુરતમાં વિરોધ પક્ષના તમામ નગરસેવકો વિરુદ્ધ એકસાથે પોલીસ કેસ નોંધાયો છે. મહાપાલિકામાં શુક્રવારે નગર શિક્ષણ સમિતિની ચૂંટણી હતી જેમાં ધક્કામુક્કી કરી તોડફોડ કરનારા આમ આદમી પાર્ટીના તમામ ૨૭ કોર્પોરેટરો અને ચૂંટણી લડનારા બંને ઉમેદવારો મળી કુલ ૨૯ લોકો સામે લાલગેટ પોલીસ મથકમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે ૨૭ કોર્પોરેટરો અને ચૂંટણી લડનારા બે ઉમેદવારો મળીને કુલ ૨૯ સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની ૧૪ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું. જોકે, આ ઘટનાને કારણે હાલ સુરતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમાં પણ આજે આપનાં નેતા મનીષ સિસોદીયા પણ સુરતની મુલાકાતે આવ્યાં છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આઠ સભ્યો માટે નવ ઉમેદવારી પત્રક આવતા ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રાકેશ ભીકડીયાને ૯૮ મત જ્યારે આપના ઉમેદવારને ૯૫ મત મળતા આપના ઉમેદવારની હાર થઇ હતી. ચૂંટણી અધિકારી તરીકે મેયરની અધ્યક્ષતામાં મતગણતરી થઇ તે દરમિયાન ઉમેદવારો, પાલિકાના શાસક પક્ષ અને વિપક્ષના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ચૂંટણીમાં દરેક કોર્પોરેટરોએ આઠ મત આપવાના હતા. પરંતુ એક બેલેટ પેપર પર આઠના બદલે સોળ મત આપતાં તે મતદાન પત્ર રદ્દ કરાયું હતું. જેને લીધે આખી બાજી પલટાઇ ગઇ હતી અને વિપક્ષના એક સભ્યની હાર થઇ હતી.
જેના કારણે ફરીથી મતગણતરી કરવા અને બેલેટ પેપર બતાવવા વિપક્ષે માંગ કરી હતી. આ માંગને ચૂંટણી અધિકારી એવા મેયરે ફગાવી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા હારેલા ઉમેદવાર અને વિપક્ષે હોબાળો મચાવી સરદાર ખંડમાં ખુરશી, માઇક અને ટેબલની તોડફોડ અને ભાજપ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન સિક્યુરીટી ગાર્ડસ અને બંદોબસ્તમાં તહેનાત પોલીસને સભાખંડમાં બોલાવવી પડી હતી. પરંતુ પોલીસની સમજાવટ છતા હોબાળો ચાલુ રહેતા બળપ્રયોગ કરીને વિપક્ષના કોર્પોરેટરો અને સમર્થકોને ખેંચને પોલીસ જીપમાં બેસાડી દેવાયા હતા. મતગણતરી બાદ અપેક્ષા મુજબ હોબાળો થયો અને તોડફોડ થતાં વીસ વર્ષ બાદ થયેલી શિક્ષણ સમિતિની ચુંટણી તોફાની અને વિવાદી બની હતી.