તાઉ-તેને કારણે ૩૭૪૮ ગામડા અને ૧૨૨ કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો…
ગાંધીનગર : વિનાશક ’તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું તે બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ૮ કલાકની અંદર ૫ ઈંચ જેટલો વરસાદ ખાવક્યો છે. ઉપરાંત ભારે પવનના કારણે વૃક્ષા ધરાશાથી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરુચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
તાઉ-તે વાવાઝોડું હજી પણ ગુજરાતને ધમરોળી રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં વીજ તંત્રને થયેલા નુકસાન અંગે રાજકોટમાં ઊર્જામંત્રી સૌરભ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તાઉ-તે વાવાઝોડાના કારણે ૩૭૪૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં ૧૧૧૫ ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બાકીના ગામોમાં કામગીરી ચાલી રહી છે. તેમજ ૧૨૨ કોવિડ હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં ૬૬ જેટલી હોસ્પિટલમાં હજી પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી.
ગુજરાતમાં વાવાઝોડાનો સામનો કરવા માટે તૈનાત કરાયેલી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાનનુ કહેવુ છે કે, હવે ગુજરાત વાવાઝોડોના ખતરાની બહાર છે અને પવનની ઝડપ પણ ગઈકાલની સરખામણીમાં ઓછી થઈ છે. સાંજ સુધીમાં આ વાવાઝોડુ ડિપ્રેશનમાં ફરેવાઈ જશે.રાજસ્થાનમાં તેના કારણે થોડો વરસાદ થશે પણ સ્થિતિ એટલી ભયજનક નહીં હોય. હવે પરિસ્થિતિ કાબૂમાં છે.