રાજકોટના રતન એવા પરાક્રમસિંહ જાડેજાએ એક એવું પરાક્રમ કર્યું છે કે જેનાથી દરેક ગુજરાતી અને ભારતવાસીની છાતી ગજ ગજ ફૂલે…
કોરોના દર્દી માટે વેન્ટિલેટરનું સૌથી વધુ મહત્ત્વ, અત્યારે દેશભરમાં વેન્ટિલેટરની અછત દૂર થવાનો આશાવાદ…
રાજકોટ : કોરોના પીડિત દર્દીને જો વેન્ટીલેટર પર રાખવા પડે એવી પરિસ્થિતિ પેદા થાય અને દર્દીઓની સંખ્યા વધે તો આપણી પાસે દેશની જનસંખ્યાના પ્રમાણમાં ખૂબ ઓછા વેન્ટીલેટર છે. અત્યારે આખા વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે અને વેન્ટીલેટર મળતા જ નથી. રાજકોટના ઉધોગપતિ શ્રી પરાક્રમસિંહ જાડેજા સીએનસી મશીન બનાવે છે પણ દેશ પર આવી પડેલ આ આફતમાં દેશ માટે કંઈક કરવાના ઈરાદા સાથે એમની જ કંપનીમાં વેન્ટીલેટર બનાવવાનું બીડું ઝડપ્યું.
છેલ્લા 10 દિવસથી અનેક માણસોએ દિવસ રાત કામ કર્યું અને વેન્ટીલેટર તૈયાર કર્યું. આજે આ વેન્ટીલેટરનું સફળતાપૂર્વક મેડિકલ પરીક્ષણ થયું જેની મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સત્તાવાર જાહેરાત પણ કરી. માત્ર 1 લાખમાં જ તૈયાર થતા આ વેન્ટીલેટરને ગુજરાતી નામ આપવામાં આવ્યું “ધમણ-1”. ધમણ-1નું ઉત્પાદન કાર્ય હવે દિવસ રાત ચાલશે અને ગુજરાતને વેન્ટીલેટરની કોઈ કમી નહીં સર્જાય.
આ અંગે જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ડૉ. રાજેન્દ્રસિંહ પરમારની ટીમ કે જેણે 5 વર્ષ યુએસમાં કામ કર્યું છે તે આ મશીનનું બ્રેઈન છે. તેમની સાથે 150 નિષ્ણાત ઈજનેરોની ટીમ આ વેન્ટિલેટરને બનાવવાના કાર્યમાં જોડાઈ હતી. તેણે સાતેક દિવસમાં જ વેન્ટિલેટરની ડિઝાઈન અને પાર્ટ્સ એસેમ્બલિંગનું કાર્ય પૂરું કર્યું હતું. જ્યારે ગાંધીનગર ઈક્યૂડીસી ઈન્સ્ટિટ્યૂટમાં બે દિવસ સુધી તેનું પરીક્ષણ કરાયું હતું. આ વેન્ટિલેટર પરીક્ષણના બધા માપદંડો પર ખરું ઉતર્યું તે પછી તેને પ્રમાણિત કર્યું હતું અને સતત 10 કલાક સુધી તેનું પરીક્ષણ ચાલ્યું હતું.
અવલ્લ દરજ્જાના એન્જીનીયર એવા પરાક્રમસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે પ્રથમ 1000 વેન્ટીલેટર તેઓ ગુજરાત સરકારને દાનમાં આપીને રાષ્ટ્રઋણ અદા કરશે.