કુલ સંક્રમિતોનો આંકડો ૪૩૨,મૃત્યુઆંક ૧૯ અને ૩૪ લોકો સ્વસ્થ થયા…
એકલા અમદાવાદમાં જ કોરોનાના પોઝિટિવ કેસો ૨૦૦ને પાર થતાં સરકાર ચિંતિત,૧૨૪ પોઝિટિવ અને ૧૧૮૭ નેગેટિવ આવ્યા છે, જ્યારે ૨૮૨ ટેસ્ટ પેન્ડિંગ,અમદાવાદમાં કોરોનાના હોટસ્ટપોટ વિસ્તારો ડેન્જર બની રહ્યાં છે,સરકાર કહેછે કે ચિંતાની વાત નથી અને રોજેરોજ કેસો વધી રહ્યાં છે…
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના મહામારીના કેસોની વણઝાર જાણે થંભવાનું નામ ન લેતી હોય તેમ આજે પણ નવા ૫૪ પોઝીટીવ કેસો બહાર આવ્યાં હતા. ૫૪માંથી ૩૧ કેસ તો એકલા અમદાવાદમાંથી બહાર આવ્યાં હતા. આમ એક રીતે જોઇએ તો અમદાવાદમાં કોરોનાના હોટસ્ટપોટ વિસ્તારો ડેન્જર બની રહ્યાં હોય તેવું બિહામણુ ચિત્ર બહાર આવી રહ્યું છે. સરકારે ગઇકાલે એમ કહ્યું કે કેસો વધશે પરંતુ ચિંતાની કોઇ બાબત નથી. તેમ છતાં રોજેરોજ ૫૦-૫૦ કેસો બહાર આવી રહ્યાં હોય ત્યારે લોકો ચિંતિત થાય તે સ્વાભાવિક છે. કોરોનાના કેસો નવા નવા વિસ્તારો અને નવા નવા જિલ્લાઓમાંથી બહાર આવી રહ્યાં છે તે પણ ખતરની ઘંટી સમાન કહી શકાય. હાલમાં એક લાખ કરતાં વધુ લોકો હોટસ્પોટ વિસ્તારોમાં બંધ છે.
રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યાની વચ્ચે. કોરોનાની વિગતો આપતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે , રાજ્યમાં નવા ૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૧ કેસ અમદાવાદમાં, ૧૮ કેસ વડોદરામાં, ૩ કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં ૧-૧ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૪૩૨એ પહોંચ્યો છે. જ્યારે ૧૯ લોકોના મોત નીપજ્યા છે. તો ૩૪ લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨૪ પોઝિટિવ અને ૧૧૮૭ નેગેટિવ આવ્યા છે, જ્યારે ૨૮૨ ટેસ્ટ પેન્ડિંગ છે.
કોરોના વાયરસનો કુલ આંક ૪૩૨ પર પહોંચી ગયો છે. જેમાં ૩૭૯ કેસ એક્ટીવ અને ૩ લોકો વેન્ટીલેટર પર હોવાનું જણાવ્યું છે. તમામ દર્દીઓમાં ૩૭૬ લોકોની હાલત સ્થિર છે. જ્યારે ૩૪ લોકો સારવાર બાદ સાજા થયા છે. રાજ્યભરમાં ૮૩૩૧ ટેસ્ટમાંથી ૪૩૨ પોઝિટિવ અને ૭૬૧૭ નેગેટિવ આવ્યા હોવાનું જણાવ્યું છે, જ્યારે ૨૮૨ સેમ્પલનો રિપોર્ટ આવવાના બાકી છે.
અમદાવાદનો કુલ આંકડો ૨૨૮એ પહોંચ્યો છે. અમદાવાદમાં શુક્રવાર સવારથી સાંજના છ કલાક સુધીમાં ૫૩૯ સર્વે કરાયાં હતાં તે પૈકી ૪૪ લોકો કોરોના પોઝિટિવ જણાયાં હતાં. આમ લગભગ કુલ શંકાસ્પદ લોકો પૈકી ૧૦ ટકા લોકો પોઝિટિવ જણાય છે. હજુ પણ આ વિસ્તારોમાં કામગીરી યથાવત્ રહેશે, પરંતુ હવે નવાં વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. શહેરોમાં જે વિસ્તારોમાં કોઇ કેસ નોંધાયો નથી તેવા વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરીને ત્યાં પણ રોગના અટકાવ માટેની કામગીરી કરવામાં આવશે. સોલા સિવિલને ટેસ્ટ માટે પરવાનગી મળી અમદાવાદની એસવીપી હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલને પણ કોરોના માટેના ટેસ્ટિંગની પરવાનગી મળી ગઇ છે. આ સેન્ટર પર રોજના ૧૫૦ ટેસ્ટ થઇ શકશે. હાલ કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલમાં પણ રાખવામાં આવ્યાં છે.
હાલ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યાં છે તે દરમિયાન ૬૦,૦૦૦ લોકો તાવ-શરદી-કફ જેવાં ઇન્ફ્લુએન્ઝા બિમારીના લક્ષણોવાળા જણાયાં હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બિમારીઓ ધરાવતાં પણ કેટલાંક લોકો ધ્યાને આવ્યાં છે. આવાં લોકો પર આરોગ્યવિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાની સલાહ અપાઇ છે.