વધુ બેના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૬એ પહોંચ્યો, ૪૬ લોકો સ્વસ્થ થયા…
ગુજરાતના ૨૦ જિલ્લાઓ કોરોનાની ચપેટમાં, રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કોરોના સ્ટેજ વનમાં તો અમુક વિસ્તારોમાં સ્ટેજ ટૂમાં પહોંચ્યો…
૭૫% કરતાં વધુ કેસ એકલા માત્ર અમદાવાદ અને વડોદરાના,અમદાવાદમાં સૌથી વધારે ૨૯૫ કેસ નોંધાયા,કોઈપણ જિલ્લો સ્ટેજ-૩માં નથી…
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના ૨૦ જિલ્લાને ઝપટમાં લીધા છે. આજે ગુજરાતમાં નવા ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ વડોદરામાં વધુ ૪ પોઝિટિવ કેસ સામે આવતા કોરોનાના કુલ ૫૪૨ દર્દીઓ થયા છે. જ્યારે વધુ બે મોત સાથે મૃત્યુઆંક ૨૬એ પહોંચ્યો છે. આ સાથે ૩ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી સ્વસ્થ્ય થયા બાદ રજા આપવામાં આવી છે.
આજે પણ રાજ્યમાં નોંધાયેલા વધુ કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસની ચપેટમાં આવેલા કેસોની સંખ્યા ૫૪૨ પર પહોંચી છે.
રાજ્યમાં કેટલાક વિસ્તારો કે જ્યાં એકાદ પોઝિટિવ દર્દી છે ત્યાં કોરોના સ્ટેજ વનમાં છે પરંતુ રાજ્યના એવા વિસ્તારો કે જ્યાં એક કરતા વધારે કેસ નોંધાયા છે અને તેમને હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવ્યા છે ત્યાં કોરોના સ્ટેજ ટૂમાં પહોંચ્યો છે. રાજ્યમાં હજી કોરોના સ્ટેજ થ્રી એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડમાં પહોંચ્યો નથી તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.
રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, નવા નોંધાયાલા કોરોનાના ૨૨ કેસમાંથી અમદાવાદમાં ૧૩, સુરતમાં ૫, બનાસકાંઠામાં ૨ અને આણંદ તથા વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા છે. એક દિવસમાં નોંધાયેલા બે મોતમાંથી એક કેસ અમદાવાદનો જ્યારે બીજો કેસ વડોદરાનો છે.
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે ૨૯૫ કેસ નોંધાયા છે. વડોદરામાં ૧૦૨, સુરતમાં ૩૩, રાજકોટમાં ૧૮, ગાંધીનગરમાં ૧૫ ભાવનગરમાં ૨૩, પાટણમાં ૧૪ કેસ નોંધાયા છે.
અમદાવાદ અને વડોદરામાં કોરોના વાયરસના કારણે થયેલા બે મોતમાં બન્ને દર્દીઓ અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિલમાં સારવાર લઈ રહેલા ૭૬ વર્ષના પુરુષ દર્દીને હૃદય અને ફેફસાની બીમારી પહેલા જ હતી જ્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૨૭ વર્ષના પુરુષ દર્દીની ડેંગ્યુની સારવાર ચાલી રહી હતી તેમાં કોરોનાની સાથે ડેંગ્યુની સારવાર ચાલી રહી હતી.
રાજ્યમાં કુલ કોરોના વાયરસનો આંકડો ૫૪૨ પર પહોંચ્યો છે જ્યારે ૪૬ લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. આ સિવાય ૪ દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે ૪૬૧ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં કોરોનાના કારણે એક દિવસમાં વધુ બે લોકોના મોત સાથે કુલ આંકડો ૨૬ પર પહોંચ્યો છે. પાછલા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨૬૩ લોકોના કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૪૫ લોકો પોઝિટિવ આવ્યા છે અને ૨૭૩ લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.