રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ કરશે રજૂઆત…
અમદાવાદ : દુનિયાભરમાં વ્યાપેલી કોરોનાની મહામારીમાં માસ્ક સૌથી મહત્વનું મનાય છે, આવામાં ગુજરાતમાં માસ્કના દંડમાં ૫૦%નો ઘટાડો કરવા અંગે રજૂઆત કરવામાં આવશે, એટલે કે માસ્કના દંડને ૧૦૦૦થી ઘટાડીને ૫૦૦ રુપિયા કરવા અંગે હાઈકોર્ટને અનુરોધ કરવા માટે મુખ્યમંત્રી વિજય રુપાણી સંબંધિત વિભાગોને સૂચના આપી છે.
કોરોનાની મહામારીમાં નાગરિકો નિયમોનું પાલન કરે તે માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આવામાં કામના સ્થળ પર અને ઘરની બહાર નીકળીને માસ્ક ફરજિયાત પહેરવા માટેનો નિયમ લાગુ કરાયો છે. જેમાં જો વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય તો ૧૦૦૦ રુપિયા દંડ વસૂલવામાં આવે છે અને નાકથી નીચે માસ્ક હોય તો ૨૦૦ રુપિયાના દંડની જોગવાઈ કરાઈ છે.
આવામાં માસ્કના ૧૦૦૦ રુપિયા દંડમાં ક્યારેક ગરીબ વ્યક્તિ સપડાઈ જતા તેમને મોટો આર્થિક ફટકો પડતો હોય છે આ સિવાય સોશિયલ મીડિયા પર પણ માસ્કના દંડની કિંમત વધુ હોવાની અનેક પોસ્ટ થતી રહે છે. આવામાં ઘણી વખત દંડ બાબતે પોલીસ અને નાગરિકો વચ્ચે માહોલ ગરમ થવાના કિસ્સા પણ સામે આવતા રહ્યા છે.
કોરોનાની બીજી લહેરના કપરા સમય દરમિયાન લોકોએ સ્વૈચ્છાએ સ્વચ્છતા અને સુરક્ષાનું પાલન કરવાનું શરુ કર્યું છે. આમ છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે રુપાણી સરકારના આદેશ પર સંબંધિત વિભાગોને હાઈકોર્ટમાં દંડની રકમ ૧૦૦૦થી ઘટાડીને ૫૦૦ કરવામાં આવે તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરવા માટે જણાવ્યું છે.