કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈ જાહેરાત કરાઈ, સ્કૂલો ખોલવાની તારીખ હવે પછી જાહેર થશે…
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરજોશમાં આવી છે. વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા સરકાર પણ ચિંતામાં ઘેરાઈ છે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સતત 60 કલાકનું લોકડાઉન જાહેર કરાયા બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો નહીં ખુલે. જાણવા મળ્યા મુજબ કોરોનાના વધતા કેસોને લઈ રાજ્ય સરકારે સ્કૂલ ખોલવાનો પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. સ્કૂલો ખોલવાની તારીખ હવે પછી જાહેર થશે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તા. 23 નવેમ્બરથી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની એસોપી પણ જાહેર કરાઈ હતી. સ્કૂલો ખોલવા સરકાર મક્કમ હોવાનું જણાય રહ્યું હતું. કારણ કે, આજે જ અહેવાલો આવ્યા હતા કે, સરકાર પોતાના નિર્ણય પર અડગ છે. આજે શિક્ષણમંત્રીએ પણ સ્કૂલ ખોલવા અંગે માહિતી આપી હતી. જોકે આજે રાત્રે સરકારે પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. સરકારના જણાવ્યા મુજબ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનના તબીબી નિષ્ણાતોએ 23 નવેમ્બરના બદલે ડિસેમ્બરના પ્રારંભમાં શાળાઓ શરૂ કરવા હજુ ગઈકાલે જ સરકારને સલાહ આપી હતી. તબીબોએ 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના નિર્ણય પર ફેરવિચારણા કરવા સૂચન કર્યું છે. તબીબોના મતને ધ્યાને રાખી સરકારે પોતાનો સ્કૂલ ખોલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હોય તેવી ચર્ચા થઈ રહી છે.