આણંદ : ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા તારીખ ૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ આણંદ જિલ્લાના ખાતર વિક્રેતાઓની શિબિરનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર, મિટીંગ હોલ ખાતે કરવામાં આવ્યું.
આ મિટીંગ જી.એન.એફ.સી.લી.ના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના હેડ શ્રી મનીષ બીલ્લોરે (એજીએમ)ના અધ્યક્ષસ્થાને કરાઈ. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જી.એન.એફ.સી.લી.ના ગુજરાતના હેડ જી.કે.પટેલ તથા અતિથી સવિશેષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. કે.બી.કથીરીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર એક્સ્ટેંશન એજ્યુકેશન ડૉ. એચ.બી.પટેલ તથા જી.એન.એફ.સી.લી.ના મધ્ય ગુજરાતના હેડ શ્રી એસ.એન.પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આણંદ જિલ્લાના તમામ તાલુકાના મળીને પંચોતેર જેટલા ખાતર વિક્રેતાઓ અને એમની વિતરક સંસ્થા જેવી કે ગુજકોમાસોલ, ગુજરાત એગ્રો. ઈન્ડ. કોર્પોરેશન, ગુજરાત ટોબેકો ફેડરેશન અને આરર્કોગુલના પ્રતિનિધિઓ સવિશેષ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લાના ખાતર વિક્રેતા ભાઈઓને ઉપરોક્ત મહાનુભાવો દ્વારા વિવિધ કૃષિકીય બાબતોની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં પાક સંવર્ધન, પાક પોષણ, પાક સંરક્ષણ, જી.એન.એફ.સી.લી.ના ખાતરો અને તેના વિપણન સંબંધિત બાબતો તથા સરકારશ્રીના ખાતરોને લગતા નીતિ-નિયમોની વિસ્તૃત માહિતીને સમાવેશ કરાયો. કાર્યક્રમના અંતે ખાતર વિક્રેતાઓને મુંજવતા પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જી.એન.એફ.સી.લી.ના આણંદ જિલ્લા પ્રતિનિધિ ડી.એ. પટેલ દ્વારા કરાયું. સમગ્ર કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે જી.એન.એફ.સી.લી.ના આણંદ જિલ્લાના નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના સંચાલકો એચ.સી.પટેલ, એસ.કે.ભુવા અને એમ.એચ.ધામીનો ફાળો રહ્યો હતો. આ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના સંપૂર્ણ સહયોગ સાથે સફળ રીતે પરિપૂર્ણ થયો હતો.