ગુજરાત બાદ આંધ્રપ્રદેશમાં પણ બેદરકારીની આગ…
અન્ય લોકોનો બચાવ, એક ખાનગી હોસ્પિટલે હોટેલને ભાડેથી લીધી હતી અને ત્યાં કોરોનાના ૩૦ દર્દીઓની સારવાર ચાલી રહી હતી…
વિજયવાડા : આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે આવેલી એક હોટેલમાં આગ લાગી ગઈ હતી. આ હોટેલનો ઉપયોગ કોવિડ કેર સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો. આગ લાગ્યા બાદ હોટેલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ફાયર ટેન્ડરે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
આગ લાગવાની આ દુર્ઘટના હોટેલ સુવર્ણ પેલેસ ખાતે બની હતી અને તે સમયે હોટેલમાં ૪૦ લોકો ઉપસ્થિત હતા. તે પૈકીના ૩૦ કોરોનાના દર્દીઓ હતા જ્યારે ૧૦ લોકો હોટેલ સ્ટાફના હતા. વિજયવાડા પોલીસે આ દુર્ઘટનામાં ૯ લોકોના મોત થયા હોવાની તથા ૩૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી આપી છે. ભારે મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પોતે જ સમગ્ર દુર્ઘટના પર ધ્યાન આપ્યું હતું અને ઘાયલોને વધુ સારી સારવાર મળી રહે તે માટે સત્તાધીશોને નિર્દેશ આપ્યો હતો. હાલ આગને કાબુમાં લીધા બાદ સંપૂર્ણ બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે તૈનાત છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ આ સમગ્ર દુર્ઘટના મામલે દુખ વ્યક્ત કર્યું હતું અને ઘટનાની તપાસ માટે આદેશ આપ્યા હતા. આ ઘટનાને લઇન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તમામ મદદ માટે તૈયારી દર્શાવી છે અને તેમણે આ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું કે, એક ખાનગી હોસ્પિટલે તે હોટેલને ભાડેથી લીધી હતી અને પ્રાથમિક તપાસમાં ત્યાં કોરોનાના દર્દીઓને સારવાર માટે રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ તમામ ઘાયલોને વધુ સારી સારવાર ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે અને સાથે જ તમામ ઓથોરિટીને કેસની યોગ્ય તપાસ કરી રિપોર્ટ તેમને સોંપવા આદેશ આપ્યો છે.