સિંહની સંખ્યા ૬૭૪ નોંધાઇ, પાંચ વર્ષ પહેલા સિંહની સંખ્યા ૫૨૩ હતી
જૂનાગઢ : ગુજરાત માટે સારા સમાચાર છે.સિંહોની વસ્તીમાં વધારો નોંધાયો છે. હાલ, સિંહની સંખ્યા ૬૭૪ નોંધાઇ છે. પાંચ વર્ષ પહેલા સિંહની સંખ્યા ૫૨૩ હતી. એટલે પાંચ વર્ષમાં ૧૫૧ સિંહો વધ્યા છે. સિંહની વસ્તીમાં ૨૯% નો વધારો થયો છે.
નોંધનીય છે કે, વન વિભાગ દ્વારા પાંચમી તારીખે એટલે પૂનમનાં દિવસે બપોરના ૨ વાગ્યેથી છઠ્ઠી તારીખના બપોરના ૨ વાગ્યા સુધી એટલે કે ૨૪ કલાક સુધી સિંહ અવલોકન કરવામાં આવ્યું હતું. આમ જોઈએ તો સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે થાય છે, અને અગાઉ ૨૦૧૫ માં સિંહની વસ્તી ગણતરી થઇ હતી ત્યારે આ આ વર્ષે ૨૦૨૦માં સિંહની વસ્તી ગણતરી થઇ છે.
નોંધનીય છે કે, વન વિભાગના સ્ટાફ દ્વારા દર માસની પૂનમના દિવસે બપોરના બે કલાકથી બીજા દિવસે બપોરના બે કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરી નોંધવામાં આવે છે. આ રીતનું અવલોકન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે. હાલમાં ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના ડાલામથ્થા સાવજો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર તથા રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી વસવાટ કરતા નજરે પડી રહ્યા છે. આમ સિંહની ડણક ગુજરાતના નવ જિલ્લાઓમાં ગરજી રહી છે.