અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યની તમામ ૧૮૨ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતરશે. ‘આપ’ના જામનગર શહેરના અધ્યક્ષ કરસન કરમુરે પત્રકાર પરિષદ સંબોધીને આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે, આપની ગુજરાતમાં સારી શરૂઆત થઈ છે, મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાર્ટી સારુ પ્રદર્શન કરીને આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના માર્ગદર્શનમાં તમામ ૧૮૨ બેઠકો પર આપના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે.
તેમણે પોતાના શહેરના અધ્યક્ષ, ભાવેશ સભાડિયાને જિલ્લા અધ્યક્ષ અને આશિષ કટારિટાને શહેરના ઉપાધ્યક્ષ અને મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવાની જાહેર કરતાં જણાવ્યું કે, પાર્ટી એક નિષ્ઠાવાન અને પ્રામાણિક વિપક્ષ તરીકે કામ કરશે. શહેર અને જિલ્લામાં કોઈ ખોટું કામ નહીં થવા દેવામાં આવે. ખોટા કામ અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવામાં આવશે. લોકોના હિતમાં કરવામાં આવતા કામોને સંપૂર્ણ સહયોગ કરવામાં આવશે.