૫૦ ટકા જેટલી વસ્તીનું રસીકરણ થયા બાદ વિચારવામાં આવશે…
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ધીમી ધીમે ઘટી રહ્યું છે. છેલ્લા ૨-૩ દિવસથી દૈનિક કેસો ૧૦૦ની અંદર આવી ગયા છે. ત્યારે ગુજરાત સરકારે લોકોને માસ્કના દંડમાં રાહત આપવા માટે વિચાર કર્યો છે. માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ ઘટાડવા માટે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે અત્યારે માસ્કનો દંડ ઘટાડવા ઇનકાર કરી દીધો છે.
હાઈકોર્ટે કહ્યું, રાજ્યની ૫૦ ટકા જેટલી વસ્તી નું રસીકરણ થવા દો પછી દંડ ઘટાડવા માટે વિચારીશું. હાલના તબક્કે દંડ ની રકમ માં ઘટાડો કરવો વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે. ૫૦ ટકા જેટલી વસ્તીનું રસીકરણ થાય ત્યારબાદ માસ્કના પહેરવા પર ૫૦૦ રૂપિયાના દંડ બાબતે વિચારી શકાય પરંતુ હાલ નહીં, તેમ કોર્ટે જણાવ્યું હતું.
માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો હતો તેમ છતાં બીજી લહેર આવી અને ત્રીજી લહેર અપેક્ષિત છે ત્યારે સરકારે રસીકરણ પર વધુ ધ્યાન આપવું જોઈએ, તેમ કોર્ટે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટમાં ત્રીજી લહેરને લઈ આગોતરા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરાયો છે. કોરોનાને લઈ દરેક જરૂરી વ્યવસ્થાની અછત ન ઉભી થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, ધનવંતરી રથ સહિતની વ્યવસ્થા વધારવાનું આયોજન વિશે સોગંદનામામાં રજુઆત કરાઈ હતી.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૨૭૯૪ છે. જેમાંથી હાલ ૨૭૮૩ લોકો સ્ટેબલ છે. ૧૧ લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧૦૭૫૧ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૧૦૦૬૨ પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ ૯૮.૪૪ ટકા છે.