અમદાવાદ : થલતેજ વિસ્તારમાં રહેતી શકુંતલા ચૌધરી શાંતિથી ઘરે બેઠા-બેઠા વાળમાં કલર કરાવવા ઈચ્છતી હતી. પરંતુ, તેને ક્યાં ખબર હતી કે કલર કરાવવાની ઈચ્છા તેને ૧ લાખ રુપિયામાં પડવાની છે. વાત એમ છે કે, શકુંતલાએ કંપનીની વેબસાઈટ પરથી લેવાના બદલે ડાયરેક્ટ ગૂગલ પરથી શોધ્યો અને તે સાયબર ફ્રોડનો શિકાર બની ગઈ. ૨૮ વર્ષની શકુંતલા ચૌધરીએ સોમવારે અજાણ્યા શખ્સ સામે થલતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એક ખાનગી કંપનીમાં ઓટોમેશન એન્જિનિયર તરીકે કામ કરતી શકુંતલાએ તેની FIRમાં કહ્યું હતું કે, તેણે આશરે બે મહિના પહેલા ઈસ્કોન ચાર રસ્તા પાસે આવેલા એક મોલમાંથી હેર કલરનું બોક્સ ખરીદ્યું હતું.
બોક્સની સાથે એક જાણીતા હોમ સર્વિસ પ્લેટફોર્મનું કાર્ડ હતું, જેમાં ઘરે આવીને હેર કલર સર્વિસ આપવાનું કહેવામાં આવ્યું હતું. શકુંતલાએ અર્બન કંપની કસ્ટમર કેર નંબર ગૂગલ પર સર્ચ કર્યો હતો અને ગૂગલ પર જે નંબર દેખાયો તેના પર કોલ કર્યો હતો. એક શખ્સે ફોન ઉપાડ્યો હતો અને સેવાનો લાભ લેવા માટે મોબાઈલમાં ’એની ડેસ્ટ’ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું.
એપ્લિકેશનથી શખ્સને શકુંતલાના મોબાઈલનો એક્સેસ મળી ગયો હતો. બાદમાં તેણે ફોન પે એપ્લિકેશનથી એક રૂપિયો ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. તેણે ટ્રાન્સઝેક્શન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ થયું નહીં. બાદમાં શખ્સે શકુંતલાને તેનો ડેબિટ કાર્ડ નંબર, કાર્ડ એક્સપાયરી ડેટ અને CVV નંબર આપવા કહ્યું હતું. તેણે તમામ માહિતી આપી હતી.
શકુંતલાએ બાદમાં પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો અને સાઈબર ક્રાઈમ પોલીસ સમક્ષ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. બાદમાં, તેની ફરિયાદ સોલા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યાં અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.