USA : અમેરિકા અને ચીન વચ્ચે તણાવની પરિસ્થિતિ સતત વધી રહી છે. શોર્ટ વીડિયો એપ ટિકટોકને અમેરિકામાંથી બોરીયા બિસ્તરા બાંધવાનું કહ્યા પછી હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજરમાં ચીનની દિગ્ગજ કંપની અલી બાબા પર પડી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ છે કે હવે આ વાત પર વિચાર થઇ રહ્યો છે કે અલીબાબાને અમેરિકામાં બેન કરી દેવી જોઇએ.
એક પ્રેસ કોન્ફરસન્સમાં જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પુછવામાં આવ્યુ કે બીજી ચીની કંપનીઓની જેમ શું અલીબાબા પર પ્રતિબંધ લગાવશે ?આ વાતની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યુ કે હા આ મામલે અમે લોકો ગંભીરતાથી વિચારી રહ્યા છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે યુ.એસ. દ્વારા ૯૦ દિવસની અંદર ટિકટોક ચલાવતી કંપની બાઇટડાન્સને સમેટી લેવાની મુદ્દત આપી દેવામા આવી છે. હવે અલીબાબા પર પ્રતિબંધ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. બીજા નંબર પર હવે આ કંપની પર તવાઇ છે તે નિશ્ચિત છે.
આ પ્રતિબંધ પાછળ અમેરિકા તર્ક આપી રહ્યુ છે કે પોતાના નાગરીકોના ખાનગી ડેટાની ચિંતા હોવાથી આ પગલુ ઉઠાવવું જરૂરી છે. ચીન પર આરોપ છે કે મોટા પાયે ડેટાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મામલે અમેરિકા અને ચીની કંપનીઓ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે.
ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન યુએસ-ચીન વ્યવસાયિક સંબંધોમાં ધરમૂળથી પરિવર્તન કર્યા છે. નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે આના કારણે સ્થાનિક રાજકારણનું તાપમાન વધ્યું છે. અમેરિકાનો ચીન સાથેનો વ્યવસાય અને વ્યૂહાત્મક સંબંધ કેવો હોવો જોઇએ તે મામલે સતત ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. આગામી સમય બંને દેશો માટે ખુબજ નિર્ણયાત્મક સાબીત થવાનો છે.
- Yash Patel